આમા કોરોના જ ફેલાય........લીલાપર રોડ અર્બન સેન્ટરમાં ચાલતી લાલીયાવાડી મોરબી : મોરબી શહેર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ચાલતી લાલીયાવાડીને કારણે લોકોએ કોરોના રસી ન મુકાવવા છતાં સર્ટિફિકેટ મળવાની અનેકાનેક ઘટનાઓ વચ્ચે કોરોના વકરે તેવી સ્થિતિનું નિર્માણ કરી કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ આપવાને બદલે જાવ તમે નેગેટિવ છો તેવું હાથથી લખી આપવામાં આવતું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. આ ચોંકાવનારી ઘટનાની વિગતો જોઈએ તો મોરબીના પીપળી ગામે રહેતા પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ આચાર્યને બે દિવસ શરદી તાવ આવતા કોરોનાના લક્ષણો હોવાની શંકાએ તેમને તા.20ના રોજ મોરબી લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. આરટીપીસીઆર ટેસ્ટ બાદ અર્બન હેલ્થ સેન્ટરમાંથી ટેસ્ટ બાબતે કોઈ પાવતી કે કેસ પેપર આપવાને બદલે તમારા મોબાઈલમાં રિપોર્ટ આવી જશે તેવું કહી વળાવી દેવામાં આવ્યા હતા. દરમિયાન લીલાપર રોડ ઉપર આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યાના બે દિવસમાં મોબાઈલમાં કોઈ મેસેજ ન આવતા પ્રતિકભાઈએ નાદુરસ્ત તબિયત હોવા છતાં ફરી અર્બન હેલ્થ સેન્ટર લીલાપર આવ્યા હતા અને ફરજ ઉપરના સ્ટાફને રિપોર્ટ ન આવ્યો હોવાનું જણાવતા ઓનલાઇન ચેક કરવા જણાવતા ઓનલાઇન પણ પ્રતિકભાઇનો માહિતી ન મળતા લીલાપર અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફે અહીં બધાના રિપોર્ટ નેગેટિવ જ આવે છે તમે જાવ તમે પણ નેગેટિવ જ છો !!!! જેવો જવાબ આપી રિપોર્ટ આવ્યા વગર જ કાગળ ઉપર હાથથી નેગેટિવ હોવાનો રિપોર્ટ લખી આપ્યો હતો. એક તરફ મોરબીમાં ત્રીજી લહેરમાં દરરોજ બસોથી ત્રણસો લોકો પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે લીલાપર અર્બન સેન્ટરમાં ચાલતી લાલીયાવાડીથી આરોગ્ય તંત્ર કોરોના મામલે કેટલું ગંભીર છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે. હાલમાં તો પ્રતિકભાઈ આચાર્યએ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને લેખિત ફરિયાદ કરી છે પરંતુ લાલીયાવાડી ચલાવવામાં માહેર ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી જ નીચેનો સ્ટાફ મનમાની કરી રહ્યું છે ત્યારે મોરબીની જનતા માટે આરોગ્યમાં ચાલતી લોલંલોલ સામે કયાં ફરિયાદ કરવી તે મોટો પ્રશ્ન છે.