સીવીલમાં માર્ચ મહિના પહેલા તબીબ, પ્રોફેસર અને પેરા મેડિકલ સ્ટાફની નિમણુંક થાય તેવી શકયતા મોરબી : મોરબી જિલ્લો બન્યું તે સમયથી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવે તેવી માંગણીઓ થતી હતી. લાંબા સમયની માંગણીઓ બાદ તાજેતરમાં રાજય સરકાર દ્વારા મેડિકલ કોલેજ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ મંજુરી માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરી દેવામાં આવી છે. આ સાથે રાજય સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવાઇ છે. શનાળા ગામ પાસે મેડીકલ કોલેજની જગ્યા મંજુર થઈ ચૂકી છે. બીજી તરફ રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવા વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને તેના ભાગરૂપે સીવીલ હોસ્પિટલને પણ અપગ્રેડ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મોરબી સીવીલમાં બેડની સંખ્યા, મેડિકલ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ, ટેક્નિકલ-નોન ટેક્નિકલ સહિતના સ્ટાફ ફાળવવામાં આવશે. મોરબી સીવીલ હોસ્પિટલમાં આગામી 3થી 4 મહિનામાં સ્ટાફ આવી જતા સીવીલ હોસ્પિટલ ધમધમતી થઈ શકે છે. જેના કારણે આરોગ્ય સુવિધાઓ વધશે જેથી, લોકોને આરોગ્યની સુવિધાઓ બાબતે અન્ય જિલ્લાઓ પર નિર્ભર રહેવું નહિ પડે. હાલ માત્ર સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ અપગ્રેડ કરવા સૂચના મોરબીમાં મેડિકલ કોલેજનું સંચાલન ગુજરાત મેડિકલ એજ્યુકેશનએન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે જી.એમ.ઇ આર.એસ. દ્વારા કરવામા આવશે. હાલ સૌરાષ્ટ્રમાં માત્ર જૂનાગઢ મેડિકલ કોલેજમાં તેનું સંચાલન છે. આ સિવાય ગુજરાતમાં અન્ય 7 મેડિકલ કોલેજમાં તેનું સંચાલન થાય છે. મોરબીમાં પણ આ જ સોસાયટી દ્વારા કોલેજનું સંચાલન કરવામાં આવશે. હાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માત્ર સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવા સૂચના આપેલ છે. આગળની સૂચના આવ્યા બાદ વધુ ખ્યાલ આવી શકશે. મોરબીમાં મેડિકલ કોલેજ શરુ થવાના આ છે ફાયદા 1. મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ થવાથી સીવીલ હોસ્પિટલમાં તબીબો, વિવિધ રોગના સ્પેશ્યાલિસ્ટ તબીબ, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, સ્પોર્ટિંગ સ્ટાફ મળતા સુવિધાઓ મળશે 2. મોરબી સિવિલમાં હાલ ટેક્નિકલ સ્ટાફના અભાવે રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લાખોની કિંમતના સાધનો જે હાલ ધૂળ ખાઈ રહ્યા છે, તે ફરી શરૂ થઈ જશે. જેથી, આ માટે ખાનગી હોસ્પિટલ અથવા રાજકોટ જવામાંથી મુક્તિ મળશે. 3. મોરબી સિવિલમાં ગાયનેક, અને આંખ, કાન, નાક, ગળા સિવાયના મોટા ભાગના સ્પેશ્યાલીસ્ટ તબીબોની ઘટ્ટ જોવા મળી રહી છે. જેના કારણે દર્દીઓને રાજકોટ રીફર કરવા પડે છે. આ સુવિધા મળવાથી રાજકોટ રીફર થતા દર્દીઓની સંખ્યા મહત્તમ ઘટી જશે. 4. રાજ્યમાં વધુ 8 મેડિકલ કોલેજ શરૂ થવાની કારણે મેડિકલ સીટમાં દર વર્ષે સીટમાં વધારો થશે. આ સીટમાં વધારો થવાથી સ્થાનિક છાત્રોને પોતાના જ વતનમાં અભ્યાસ કરવાની તક મળશે.