મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું મોરબી : હાલ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ખુબ જ ચિંતિત છે કેમ કે તેમણે વાવેલા પાકને વરસાદના પાણીની ખુબ જ જરૂરીયાત ઉભી થઈ છે. ત્યારે ટંકારાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી કલેક્ટરને સૌની યોજના દ્વારા ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ નરોત્તમભાઇ ગોસરા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, ટંકારા તાલુકામાં નહિવત વરસાદના કારણે ખેડૂતોના પાકને પાણીની તાતી જરુરિયાત છે. જેથી સૌની યોજના અંતર્ગત મોરબી, ટંકારા તેમજ પડધરીમાં આવતા વિસ્તારોમાં જ્યાં નદી ,વોકળા કે તળાવમાં વાલ્વ મુકેલા હોય ત્યાં તાત્કાલીક વાલ્વ ખોલી ખેડુતોને પાણી પુરું પાડવામાં આવે જેથી ખેડૂતોના પાકને નુકસાન ન જાય. આ તકે આમ આદમી પાર્ટી ટંકારા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, મહામંત્રી પ્રકાશભાઇ દુબરિયા, પ્રકાશભાઇ રાજપરા તેમજ દિનેશભાઇ ચાવડા સહીતના સભ્યો ઉપસ્થિત રહી મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.