ગામના નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય તે માટે ફરીથી ગ્રામ પંચાયતની રચના કરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત મોરબી : મોરબીના શક્ત શનાળા ગામની બાવાના બેય બગડ્યા જેવી હાલત થઈ છે. જેમાં થોડા વર્ષો અગાઉ મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા માટે શક્ત શનાળા ગામને પાલિકામાં ભેળવી દેવાયું હતું. પરંતુ મહાપાલિકાની કોઈ હિલચાલ ન થતા શનાળા ગામની પાલિકામાંથી બાદબાકી કરી દેવાય હતી. ત્યારબાદ ફરીથી શનાળા ગામમાં ગ્રામ પંચાયતનું ગઠન ન થતા હવે આ ગામ ઘણીઘોરી વગરનું બની ગયું છે. ત્યારે ગામના પ્રશ્નો તેમજ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય તે માટે ફરીથી ગ્રામ પંચાયતની રચના કરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે. મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ સ્થાનિક કલેકટરથી માંડી ગાંધીનગર ખાતેના પંચાયત ગ્રામ વિકાસ સચિવને રજુઆત કરી હતી કે, મોરબી શહેરને અડીને આવેલું શક્ત શનાળા ગામ ઘણા સમયથી પ્રજાના પ્રતિનિધિથી વંચિત છે અને ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી જ થઈ નથી. જેનું કારણ એ છે કે જે-તે સમયે મોરબીની મહાનગરપાલિકા બનાવવા માટે શનાળા ગામને મોરબી પાલિકામાં સમાવેશ કર્યો હતો પણ મહાનગરપાલિકા માટે કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી ફરી શનાળા ગામને મોરબી પાલિકામાંથી બાકાત કરી દેવામાં આવ્યું હતું. હવે આ ગામની પરિસ્થિતિએ છે કે, શનાળા ગામ પાલિકાની હદમાં ન આવતો હોય અને ઉપરથી ગ્રામ પંચાયતની બોડીની રચના જ ન થઈ હોવાથી ગામના પ્રશ્નો વણઉકેલ્યા જ રહે છે. ગામના વિકાસ માટે કોઈ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી. જો કે શનાળા ગામમાં વહીવટીદાર છે. પણ નીતિ વિષયક નિર્ણયો અને ગામની સુવિધાઓના પ્રશ્નો હલ થતા નથી. જો શનાળા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડી હોય તો ગામલોકોને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે એમ છે. આથી, આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની તેઓએ માંગણી કરી છે.