મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સૌરાષ્ટ્રવાસીઓને રૂ. ૨૦૩૩ કરોડના વિકાસકાર્યોની ભેટ આપવા રાજકોટ પધાર્યા હતા. ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી. ધીરુભાઈ સરવૈયાએ ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારતા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે વડાપ્રધાને લીધેલા વિવિઘ પગલાઓ અને રાજકોટની ખાસ વિશેષતાઓ રજૂ કરી હતી. તેમણે રાજકોટની સંસ્કૃતિ અને રાજકોટની લાક્ષણિકતાઓને હળવી શૈલીમાં રજૂ કરી હતી. કચ્છની કોયલના હુલામણા નામે ઓળખાતા કલાકાર ગીતાબેન રબારીના કોકીલ કંઠે 'શ્રી રામ….,કાઠિયાવાડમાં કોક દી... સ્વર્ગ ભૂલાવુ શામળા…, દ્વારિકાનો નાથ…, મન મોર બની થનગાટ કરે…' સહિતના સૌરાષ્ટ્રના ભાતીગળ ગીતો રજૂ કરતાં ઉપસ્થિતજનો ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં અરવિંદભાઈ બગથરીયાએ ડાયરામાં લોકગીતો રજૂ કરી રાજકોટની જનતાને રસ તરબોળ કર્યા હતા. આ તકે રમત ગમત વિભાગ દ્વારા 'ધરતી કહે પુકાર કે' નામક નૃત્ય નાટિકા રજૂ કરી હતી. આ નાટિકા દ્રારા રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.