મોરબી: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગીતાજીનું પૂજન અને પઠન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્કૃતના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી દશાવતાર નૃત્ય નાટિકા, મહાભારત નૃત્ય નાટિકા, અને સંસ્કૃત ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની 'પંચકમ' યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ગીતાજી અને સો સુભાષિતો કંઠસ્થ કર્યા હતા, તેમને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા માધવભાઈ પંડ્યાએ ગીતાજીના જીવનમાં મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. સંસ્કૃત ભારતીના રાજકોટ વિભાગ સંયોજક મયુરભાઈ શુક્લએ મોરબી જિલ્લા અને સાર્થક વિદ્યામંદિરમાં થઈ રહેલા સંસ્કૃત કાર્યોની માહિતી આપી હતી. દર વર્ષની જેમ, સાર્થક વિદ્યામંદિરમાં સવાર અને બપોર બંને સમયે ગીતાજીના સંપૂર્ણ 18 અધ્યાયનું પારાયણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી ડીડીઓ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબીથી બ્રિજેશભાઈ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી અલ્પેશભાઈ, સાર્થક વિદ્યામંદિરના ટ્રસ્ટી કમલેશભાઈ સહિત અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.