ઘાસચારાની લડત વખતે ડોકાયા નહિ અને રહી -રહી ને આવેદન પાઠવવા આવતા માલધારીઓ નારાજ હળવદ : અછતગ્રસ્ત હળવદ તાલુકામાં માલધારીઓ દ્વારા ઘાસચારા મુદ્દે ચલાવવામાં આવતી લડતમાં આજે કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર પાઠવવાનું નાટક કરવામાં આવતા માલધારીઓ અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને માલધારી આગેવાનોએ અમારી લડત અમે લડી લેશું કહી કોંગ્રેસી આગેવાનોની ફોટાશાહી ખુલી પાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પંથકમાં ઘાસચારાની અછત અને પાણીની વિકટ પરિસ્થિતિમાં માલધારીઓ અને ખેડૂતો દ્વારા માલઢોર સાથે લડત ચલાવી ઉપવાસ આંદોલન કર્યું હતું, આ સમયે શાસકપક્ષ કે કોગ્રેસ દ્વારા ખેડૂત - માલધારી સમાજની લડતને ટેકો આપવામા આવ્યો ન હતો અને કોઈ પણ નેતા ફરકયા ન હતા. બીજી તરફ આજે માલધારીઓને પ્રશ્ને હળવદ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય મેદાને આવી આવેદનપત્ર પાઠવવા મેદાને આવતા માલધારી સમાજ રોષે ભરાયો હતો અને કોંગ્રેસી આગેવાનોને નાટક બંધ કરી આ લડતમાં માલધારીઓને રાજકીય પક્ષના ટેકાની જરૂર ન હોવાનું રોકડું પરખાવ્યુ હતું.