વાંકાનેર : વાંકાનેર શ્રીમદ્ રામચંદ્ર ધરમપુર મિશનના વાંકાનેર સેન્ટર તેમજ વાંકાનેરના જીનીયસ ગૃપે દિવાળીમાં ગરીબ બાળકોને મિઠાઈ વહેંચીને દિવાળીની ખરી ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરનું આ જીનીયસ ગૃપ કોઈપણ વાર-તહેવારે કે શુભ પ્રસંગે જીનીયસ ગૃપ વાંકાનેરના સ્લમ વિસ્તારમાં જઇને ગરીબ બાળકોને સ્વીટ અને ગિરનારી ખીચડીનું વિતરણ કરતા હોય છે. મીઠાઈ અને ગિરનારી ખીચડી આ ગ્રુપના મહિલા સદસ્ય દ્વારા પોતાની જાતે તૈયાર કરવામાં આવે છે અને તેનું ગરીબોમાં વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે ગરીબ બાળકો પણ દિવાળી ઊજવી શકે અને આ પવિત્ર તહેવારની ખુશી તેમના ચહેરા પર આવે તે માટે આ ગ્રુપે 650 જેટલા ગરીબ બાળકોમાં દરેક બાળકને 250 ગ્રામ મીઠાઈ 150 ગ્રામ ચવાણું તેમજ બિસ્કિટ, વેફર, ચોકલેટ, મુખવાસ વગેરેનું વિતરણ કર્યું હતું.