મોરબી: આજે વહેલી સવારે મોરબી અને રાજકોટના ગૌરક્ષકોની ટીમે મોરબી બાયપાસ નજીકથી કતલના ઇરાદે કચ્છથી જામનગર તરફ જઈ રહેલી એક આઈસર ગાડીને ઝડપી પાડી 70 જીવોને કતલખાને જતા બચાવી લીધા હતા. મોરબી વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે એક આઈસર ગાડી (નંબર GJ 02 AT 8200)માં જીવોને ભરીને કતલ માટે લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે ગૌરક્ષકો વોચમાં હતા ત્યારે ગાડી મોરબી બાયપાસ તરફથી આવતા, તેને રાજપર ચોકડી પાસે રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ડ્રાઇવરે ફૂલ ઝડપે ગાડી ટંકારા તરફ ભગાડી મૂકી હતી અને પીછો કરી રહેલા ગૌરક્ષકો પર ગાડી ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.આખરે, ડ્રાઇવર ગાડીને ટંકારા ગામમાં આવેલ એક ખંડેર જીનમાં મૂકીને ભાગી ગયો હતો. પોલીસ પ્રશાસનના સહયોગથી ગૌરક્ષકોએ ગાડીની તપાસ કરતા તેમાંથી 70 ભેંસ વર્ગના પાડા જીવ મળી આવ્યા હતા. આ જીવોને ક્રૂરતાપૂર્વક, હલી-ચલી ન શકે તેમ બાંધેલા હતા અને તેમને કોઈ ઘાસ-પાણીની સુવિધા આપવામાં આવી નહોતી. મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને રાજકોટ ગૌરક્ષા જીવદયા ટીમે મોરબી અને ટંકારા પોલીસના સહયોગથી આ 70 જીવોને બચાવ્યા હતા. બચાવેલા જીવોને કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.ગૌરક્ષક ટીમે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગાડીના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ગૌરક્ષક ટીમના ચેતનભાઈ પાટડીયા, મનીષભાઈ કનજારિયા, પાર્થભાઈ નેસડિયા, હિતરાજ સિંહ પરમાર, ભાવિનભાઈ, જેકીભાઈ, મિલનભાઈ, જયદીપભાઈ સહિત મોરબી અને રાજકોટના ગૌરક્ષકોનો સહયોગ રહ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.