સિરામિક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી મળી : પ્રથમ ટ્રેનમાં 56 કન્ટેનર સાથે 1824 ટન ટાઇલ્સ મોકલાઈમોરબી : મોરબી નજીક મકનસરમાં એક નવું ફ્રેટ ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે જેના કારણે મોરબી અને આસપાસના ઉદ્યોગોને નવી રેલ કનેક્ટિવિટી મળી છે. જ્યાંથી પ્રથમ ટ્રેનને સફળતા પૂર્વક લીલીઝંડી આપવામાં આવી હતી. આ કન્ટેનર ટ્રેનમાં 56 કન્ટેનર હતા અને 1824 ટન સિરામિક ટાઇલ્સ હતી.માલવહન માટે નવા ગ્રાહકોને આકર્ષવા માટે રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટએ મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનમાં મોરબીની સિરામિક ટાઇલ્સ લોડ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આજે આ ટર્મિનલ પર લોડિંગનો પ્રારંભ થયો છે, જેના કારણે માલવહનની કિંમત ઘટશે અને મોરબી તથા આસપાસના ઉદ્યોગોને સમગ્ર દેશમાં માલ મોકલવા માટે નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગુજરાતના મોરબી નજીક મકનસર ખાતે નવું ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો સંયુક્ત ઉપક્રમ છે અને દેશભરમાં આ પ્રકારના ટર્મિનલ વિકસાવવા માટેની પી.એમ. ગતિ શક્તિ નીતિનો ભાગ છે. નવી-નવી કોમોડિટીના રેલ માર્ગે પરિવહન માટે રાજકોટ મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા સતત સર્વે કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વેપારીઓ સાથે સંપર્ક કરીને તેમને રેલ માર્ગથી માલ મોકલવાના ફાયદાઓ સમજાવવાના પ્રયાસોને સફળતા મળી છે. રાજકોટ ડિવિઝનની BDUની પ્રયત્નશીલ કામગીરીના પરિણામે મકનસર ગતિ શક્તિ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનનું સંચાલન પહેલી વખત થયું છે. આ કન્ટેનર ટ્રેનના 56 કન્ટેનરમાં 1824 ટન સિરામિક ટાઇલ્સનું સંચાલન થયું છે, જેના કારણે રાજકોટ ડિવિઝનને અંદાજે 5.94 લાખ રૂપિયાની આવક થઇ છે. પશ્ચિમ રેલવે દ્વારા અપાયેલા વિવિધ પ્રોત્સાહનોના કારણે રાજકોટ ડિવિઝનમાં આ સાહસ શક્ય બન્યું છે. આવનારા સમયમાં આ ટ્રાફિક વધુ વધવાની શક્યતા છે.