મોરબી : મોરબી જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-2025 યોજાનાર છે તે હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી દરમિયાન ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ અને શાંતિનો ભંગ થતો અટકાવવા અંગે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતના વિસ્તારમાં તા. 27/06/2025 સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવુ નહી. આ નિયમો ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારી તથા કોઈ સ્મશાન યાત્રાના અપવાદોને લાગુ પડશે નહી.આ જાહેરનામું મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ગ્રામ પંચાયતના વિસ્તારમાં ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતોના વિસ્તારને લાગુ પડશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.