કઝારીયા ટાઇલ્સ કંપનીએ પોતાના ચોથા ક્વાર્ટર રિપોર્ટમાં ગેસના ભાવ વધતા સ્લેબ ટાઇલ્સ પ્લાન એક્સ્પાન પ્રોજેક્ટ પડતો મૂક્યાનો રિપોર્ટ કર્યો ગુજરાત સરકાર ગેસના ભાવનો મુદ્દો હળવાશથી લઈ રહી છે ત્યારે ગેસના ભાવ વધતા મોરબીની 50થી વધુ કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું મોરબી : દેશને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવાની સાથે જ ઇન્કમટેક્સ અને જીએસટી પેટે સરકારની તિજોરી છલકાવી દેતા મોરબીના સિરામીક ઉદ્યોગના ગેસના પ્રશ્નને કેન્દ્ર અને રાજ્ય સરકાર અત્યંત હળવાશથી લઈ રહી છે ત્યારે ગેસના ભાવ વધારાને કારણે મોરબીમાં આવતું નવું હજારો કરોડનું રોકાણ હાલતુર્ત માત્રને માત્ર ગેસના ભાવને કારણે અટકી પડ્યું છે. સિરામીક ક્ષેત્રે દેશની અગ્રણી કંપની કઝારીયા ટાઈલ્સે તો પોતાના વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરી ગેસના ભાવ વધારાને પગલે કંપનીએ મોરબી સ્થિત પ્લાન્ટમાં સ્લેબ ટાઇલ્સનો પ્રોજેક્ટ પડતો મુક્યો હોવાનું જાહેર કર્યું છે. બીજી તરફ ગેસના ભડકે બળતા ભાવને લઈ મોરબીની 50થી વધુ ફેક્ટરીઓએ ઉત્પાદન બંધ કરતા હજારો કામદાર બેકાર બન્યાનું પણ સામે આવ્યું છે. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, મોંઘવારીના મારને કારણે સામાન્ય નાગરિકોથી લઈ મોટા ઉદ્યોગગૃહો પણ પ્રભાવિત થયા છે ત્યારે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને સહન ન કરી શકાય તેવો ફટકો પડ્યો છે. સિરામીક ઉદ્યોગમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઓગસ્ટ-2021થી ગુજરાત ગેસ કંપની દ્વારા સતત કરવામાં આવી રહેલા ભાવ વધારાને કારણે હાલમાં પાઈપલાઈન નેચરલ ગેસના ભાવ બમણા જેટલા થયા છે. આ ઉપરાંત સિરામીક ટાઇલ્સ બનાવવામાં વપરાતા રો-મટિરિયલના ભાવમાં પણ વધારો થતા સિરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું હોવાનું મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખો જણાવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે સિરામીક ક્લસ્ટર મોરબીમાં સ્લેબ ટાઇલ્સની વૈશ્વિક ઉંચી ડિમાન્ડ જોતા અનેક નવા પ્લેયરો મેદાનમાં આવ્યા છે અને હાલમાં મોરબી પેરીફેરીમાં અનેક નવા મહાકાય એકમો નિર્માણાધીન છે પરંતુ સિરામીક ટાઇલ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ ઉછાળાને કારણે આવા 30 જેટલા એકમોએ તો હાલતુર્ત પોતાના પ્રોજેક્ટ સ્થગિત કરી દેતા હજારો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ અટકી પડ્યું છે. ભારતની મોટાગજાની ગણાતી કઝારીયા ટાઇલ્સ કંપનીએ તો પોતાના વર્ષ 2022ના ક્વાર્ટરલી રિપોર્ટમાં ગંભીર નોંધ કરી ગેસના ભાવ વધારાને કારણે હાલ તુરત તેમના મોરબીના સ્લેબ ટાઇલ્સ એકમનું એક્સ્પાન પાછું ખેંચી લઈ અંદાજે રૂપિયા 2.1 બિલિયનનું રોકાણ અટકાવી દીધાનું જાહેર કર્યું છે. મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસના ભાવ વધવાની સાથે સિમેન્ટ,સ્ટીલ સહિતના બાંધકામ રો મટીરીયલમાં ભાવ વધારાથી સીરામિક ઉદ્યોગને માઠી અસર પહોંચી છે જેને કારણે હાલમાં 50 જેટલા એકમો બંધ થયા હોવાનું તેમને ઉમેર્યું હતું. એ જ રીતે મોરબી સિરામીક એશોશિએશનના વોલટાઈલ્સ ડિવિઝન પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે, એક તરફ તમામ રો-મટીરિયલમાં ભાવ વધારો થતા સિરામીક એકમો દ્વારા ટાઈલ્સની કિંમતમાં વધારો કરવા પ્રયાસો કર્યા છે પરંતુ ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ ન હોય આ ભાવ વધારો સ્વિકારાતો ન હોય સિરામીક ઉદ્યોગ માટે આગે કુવા પીછે ખાઈ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર સિરામીક ઉદ્યોગની મુશ્કેલી ઉકેલે તો જ સિરામીક ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ બચાવી શકે તેમ હોવાનું સ્પષ્ટ બન્યું છે.