થોડી વાર માટે લોકોમાં ભાગા-ભાગી થઈ પડી : ગુજરાત ગેસના સ્ટાફે તુરંત ઘટના સ્થળે દોડી જઇ વાલ્વ બંધ કરી રીપેરીંગ કામ શરૂ કર્યુંમોરબી : મોરબીની રવાપર ચોકડીએ આજે બપોરના અરસામાં ગેસની પાઇપલાઇન લીકેજ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને કારણે થોડી વાર માટે ભાગા-ભાગી સર્જાય હતી. પણ ગુજરાત ગેસ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ રીપેરીંગ કામ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની રવાપર ચોકડીએ નિર્મલ વિદ્યાલય જવાના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રવાપર ગ્રામ પંચાયતના બિલ્ડીંગ પાસે જ આજે ખોદકામ વેળાએ ગેસની લાઈન તૂટી જતા આ વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ હતી. થોડો સમય માટે લોકોએ ભાગા-ભાગી પણ શરૂ કરી દીધી હતી. બાદમાં ગુજરાત ગેસ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે આવી વાલ્વ બંધ કરી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાત ગેસના અધિકારીએ જણાવ્યું કે મહાપાલિકાની ટિમ દ્વારા તેઓને લાઈન લીકેજ અંગેની જાણ થઈ હતી. તુરંત ઘટના સ્થળે જીએસપીસીની ટિમ રવાના કરી દેવામાં આવી હતી. કોઈ ચિંતા જેવી વાત નથી.