પુલના કામ દરમિયાન ગેસની લાઈન તૂટી : ગેસ કંપનીએ તાકીદે રીપેરીંગ હાથ ધર્યું મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આજે ગેસની લાઈનમાં લીકેજ થતા અડધી કલાક સુધી ગેસના ફુવારા ઉડ્યા હતા. જેને કારણે ભયનો માહોલ પણ સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી હાઇવે બાજુનો રસ્તો છે. ત્યાં પુલનું કામ ચાલુ છે. પુલના કામ દરમિયાન ગેસની લાઈન તોડી નાખવામાં આવી હતી. જેને કારણે અડધી કલાક સુધી ગેસના ફુવારા ઉડયા હતા. બાદમાં ગેસ કંપનીના સ્ટાફે આવી રોડ પર વાહનવ્યહાર બંધ કરીને રીપેરીંગ કર્યું હતું. આ વિસ્તાર સતત ધમધમતો હોય, લોકોમાં ભય પણ ફેલાયો હતો. બીજી તરફ મળતી માહિતી અનુસાર પુલનું કામ ચાલુ હોય, તેઓએ ગેસ કંપનીની મંજૂરી પણ લીધી ન હતી. બાદમાં આડેધડ ખોદકામને કારણે ગેસ કંપનીની પાઇપલાઇન તોડી નાખતા આ ઘટના સર્જાઈ હતી.