મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી હરીહરનગર સોસાયટીમાં આ વર્ષે નવરાત્રિની અનોખી ઉજવણી થઈ રહી છે. અહીંના સ્થાનિક પાટીદાર વડીલોના માર્ગદર્શન હેઠળ, સોસાયટીના 30 પરિવારોએ સાથે મળીને એક નાનકડી અને આત્મનિર્ભર ગરબીનું આયોજન કર્યું છે.આ ગરબીનું આયોજન ગિરીશભાઈ, નીતિનભાઈ, અરવિંદભાઈ, નિલેશભાઈ, ભરતભાઈ અને ધર્મેન્દ્રભાઈ સહિતના યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવ્યું છે. પહેલા જ નોરતે, રાત્રે 09:00 વાગ્યે શરૂ થયેલી આ ગરબીમાં લોકોએ મન મૂકીને ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. આયોજકોએ સમયમર્યાદા જાળવીને રાત્રે 12:00 વાગ્યા પહેલા ગરબી પૂર્ણ કરી હતી, જેથી સૌ કોઈને સુવિધા રહે.આયોજક અરવિંદભાઈના જણાવ્યા અનુસાર, સોસાયટીઓમાં આવા નાના આયોજનો કરવાથી લોકોને પરંપરા જાળવવાનો અને ટ્રાફિકની સમસ્યાથી બચવાનો સારો વિકલ્પ મળે છે. તેમ યાદીમાં જણાવાયું છે.