ગાંધી ચોકથી એવન્યુ પાર્ક સુધીના રોડ તથા બાપા સીતારામ ચોક પાસે રોડ પર ખાડા ખબડાથી લોકો હેરાન પરેશાન મોરબી : મોરબીમાં ચોમસામાં જ તંત્રને નવા રોડ બનાવવાનું સૂઝ્યું છે અને પાલિકા તંત્ર દ્વારા રોડને નવા બનાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે રોડની કામગીરી થઈ છે. તેના થોડા સમયમાં વળતા પાણી શરૂ થયા છે. જેમાં 15 દિવસ પહેલા બનેલા ગાંધી ચોકથી એવન્યુ પાર્ક સુધીના રોડમાં ગાબડાં પડ્યા છે. નવા બનેલા રોડ પર ખાડાઓ પડતા તંત્રની પોલ ખુલી છે. જ્યારે બાપા સીતારામ ચોક પાસે રોડ પર ખાડા ખબડાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક પાસેના રોડ ઉપર મસમોટા ખાડા પડયા છે. રોડ બન્યાના થોડા સમયમાં ખાડા પડવા લાગ્યા છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રોડ ઉપર ખાડા તારવવા જતા વાહનચાલકોના વાહનો સ્લીપ થઈ જાય છે અને વાહનચાલકોને નાની મોટી ઇજા થાય છે. તેથી, વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મોરબીના ગાંધીચોકથી રવાપર રોડના એવન્યુ પાર્ક સુધીના રોડને 15 દિવસ પહેલા નવો બનાવવામાં આવ્યો હતો. આ રોડની 15 દિવસમાં જ પોલ ખુલી છે અને રોડ ઉપર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું છે. ગાંધી ચોકથી રવાપર એચડીએફસી ચોકડી ઉપર ખાડા પડી ગયા છે અને ગાંધીચોકના રોડ ઉપર પણ ખાડા પડી જતા અને રોડ ઉપર સતત પાણી ભરાઈ રહે છે. આ રોડમાં હલકી કક્ષાની સામગ્રી વપરાય હોવાનું ફલીત થયું છે. જોકે હમણાં સામાન્ય વરસાદ જ પડ્યો હતો અને સામાન્ય વરસાદમાં પણ આ નવા રોડમાં ખાડા પડવાનું શરૂ થતાં આ રોડ લાંબો સમય ટકશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે. રોડનું નબળું કામ કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવાશે : પાલિકા પ્રમુખ રોડ મામલે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે નવા રોડમાં ખાડા પડવા માટે જવાબદાર કોન્ટ્રાકટરને નોટિસ આપી દેવામાં આવી છે. રોડનું તાત્કાલિક યોગ્ય રિપેરીગ કરવાની કોન્ટ્રાકટરને સૂચના આપી દેવામાં આવી છે અને રોડના ખાડાનું યોગ્ય બુરાણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. ફરીથી નવા રોડ બનાવવાની માંગ સાથે આપની ચીફ ઓફિસરને રજુઆત મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, શહેર મહામંત્રી પરેશ પારિઆએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે તાજેતરમાં જ બનેલા ડામર રોડમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. રોડ રસ્તાના કામમાં વાપરવામાં આવેલા કપચી અને અન્ય મટીરીયલ્સ બહાર નીકળી ગયેલ છે. આ નવા રોડ-રસ્તાઓના નબળા કામ કરવામાં આવ્યા છે. જેના કારણે આ રોડ-રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી ગયા છે. અને પ્રજાને જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી અને પ્રજાના કરવેરાના પૈસામાંથી મસમોટો ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે. આ બાબત નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક આ તપાસ કરીને નબળા બનાવનાર રોડ કોન્ટ્રાક્ટરના બિલની ચૂકવણી અટકાવે અને ફરીવાર આ રોડ રસ્તાને સારી રીતે બનાવે અને જવાબદાર પાલિકાના અઘિકારીની દેખરેખમાં ફરી બનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ તૂટી ગયેલ રોડ રસ્તા ફરી બનાવવા નહિ આવે તો અને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવામાં નહિ આવે તો ના છૂટકે કોર્ટનો સહારો લેવા ની ફરજ પડશે તેવું જણાવ્યું છે.