બાળકોએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી ગણેશજીની સ્થાપના કરીટંકારા : ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નંબર 3 અને 4ના નાના ભૂલકાઓએ ગણેશ ચતુર્થીના પાવન પર્વને અનોખી રીતે ઉજવી બાળ સર્જનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચોથા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા આ નાના ભૂલકાઓએ સ્વૈચ્છિક રીતે ગણપતિ મહોત્સવનું આયોજન કરી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આ બાળકોએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી ગણેશજીની સ્થાપના કરી અને આખા આયોજનની તમામ તૈયારીઓ જાતે જ કરી છે.સવાર-સાંજ આરતીથી લઈને રાત્રે રાસ-ગરબાના કાર્યક્રમો સુધી, આ નાનકડા આયોજકોએ દરેક બાબતનું ઝીણવટભર્યું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે આ બાળકો દિવસે શાળાએ જઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે અને શાળાએથી છૂટ્યા બાદ આવા ભવ્ય આયોજનને સફળતાપૂર્વક પાર પાડે છે. આ મહોત્સવનું આયોજન કરનાર બાળકોમાં માધવ, માર્કંડ, દક્ષ, જૈમીન, જિલ, રુદ્ર, મન, કલ્પ, સ્લોક, પાર્થિવ, નારાયણ, નીલ સહિતના નાના ભૂલકાઓનો સમાવેશ થાય છે. તેમની આ સર્જનાત્મકતા અને સમર્પણભાવને લીધે સમગ્ર સોસાયટીમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે. આ નાની ઉંમરે આવું વિશાળ આયોજન કરવા બદલ આ બાળકોને લાખો વંદન અને શુભેચ્છાઓ. તેમનો આ પ્રયાસ ન માત્ર સોસાયટી માટે, પરંતુ સમગ્ર ટંકારા ગામ માટે ગૌરવની વાત છે. આ બાળકોનું સમર્પણ અને ઉત્સાહ દરેક માટે પ્રેરણાદાયી છે.