ગણેશોત્સવ દરમિયાન દરરોજ ગણપતિ દાદાની મૂર્તિનું સર્જન કરી અનોખી ભક્તિ કરતા મહિલા મોરબી : હાલમાં મોરબી સહિત રાજ્યભરમાં રંગે ચંગે ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષે મોરબીમાં નિર્મિત ગણપતિબાપા સાત સમુંદર પાર અમેરિકાના બોસ્ટનમાં પહોંચ્યા છે જયાં આ ઇકોફ્રેન્ડલી દુંદાળા દેવની કાયમી પૂજા અર્ચના થશે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વિભાબેન યોગેશભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી અનોખી ગણેશ ભક્તિ કરી રહ્યા છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન તેઓ દાદાનું સ્થાપન કરવાને બદલે દશે દશ દિવસ સુધી એક - એક ઇકોફ્રેન્ડલી માટીની ગણેશજીની પ્રતિમા બનાવી સાજ શણગાર સજાવી આ મૂર્તિની પૂજા કરી પ્રસાદ ધરાવી વિસર્જિત કરવાને બદલે કોઈ સ્નેહી, મિત્રો, પરિવારજનોને ભેટ આપે છે. આ વર્ષે વિભાબેન પટેલના હાથે નિર્મિત થયેલ ગણપતિબાપાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમેરિકાના બોસ્ટનથી આવેલા ખાસ મહેમાન મહેન્દ્રભાઈ ઉઘરેજાને ભેટ આપવામાં આવી છે. આમ, મોરબીમાં નિર્માણ થયેલા ગણપતિ બાપા દેશના સીમાડા ઓળંગી અમેરિકા પહોંચ્યા છે જયાં દુંદાળા દેવની ભક્તિ ભાવથી પૂજા અર્ચના થશે.