મોરબી જિલ્લામાં ડીઝલ ચોરી કરતી ગેંગ સક્રિય બનતા વાહન ચાલકો પરેશાન, સીસીટીવી સામે આવ્યા મોરબી : મોરબી જિલ્લામાં હાઇવે ઉપર મોટા વાહનોમાંથી ડીઝલ ચોરતી ગેંગ સક્રિય થઈ છે. ખાસ કરીને હળવદ તાલુકામા આતંક મચાવનાર દેવળીયા ગામમાં રાત્રીના સમયે ટ્રકમાંથી ડીઝલ ચોરી ગયાની સાથે મોરબીના ઢુંવા નજીક અલગ અલગ વાહનોમાંથી 500 લીટરની ડીઝલ ચોરી થયું હોવાનું સામે આવ્યું છે.વધુમાં બે દિવસ પૂર્વે 20 માર્ચના રાત્રીના 3 થી 4વાગ્યાના અરસામાં વાંકાનેર - મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક અનેક નાના મોટા વાહનોમાંથી ડીઝલ ચોર ગેંગ દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હાઈવે પર આવેલા એક કારખાના પાસે ગાડીમાંથી 3થી 4 ઈસમો દ્વારા મોટા વાહનોમાંથી ડીઝલ ચોરી કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.જો કે, ડીઝલ ચોરી ઘટનાને લઈને હજુ સુધી હળવદ, મોરબી કે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નથી ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલીંગને લઇ સવાલ ઊભા થઈ રહ્યા છે.