મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિએ લાયન્સ ક્લબના ઉપક્રમે હરિભાઈ આદ્રોજાના ગ્રાઉન્ડમાં સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક અગ્રણીઓની પણ હાજરી રહી હતી.મોરબી શહેરમાં છેલ્લા 14 વર્ષથી ગંગા સ્વરૂપ સહાય સમિતિ વિધવા બહેનોને વિવિધ રૂપે સહાય કરે છે. જેમાં દીકરીઓ રોજી રોટી કમાય તે હેતુ માટે હેતલબેન ભટ્ટ દ્વારા સિલાઈની 3 માસની ફ્રિ ટ્રેનિંગ અપાઈ છે. ત્યારબાદ આ દીકરીઓને સિલાઈ મશીન અપાઇ છે. અત્યાર સુધીમાં 140 દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવેલ છે. દર મહિને રાશન કીટ, અને દર વર્ષે વિધવા બહેનોની દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવમાં આવે છે. અત્યાર સુધી 197 દીકરીઓને સાસરે વળાવી છે. આ ઉપરાંત ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આ દીકરીઓને બ્યુટી પાર્લરનો કોર્ષ ઉમાબેન સોમૈયા દ્વારા કરાવવામાં આવે છે. અને ત્યારબાદ કીટ ફ્રિમાં આપવામાં આવે છે. આ ઉપરાંત વિધવા બહેનોના સંતાનોને શેઠ પી. જી પટેલ કોલેજમાં એકદમ રાહત દરે ભણાવવામાં આવે છે.સીલાઈ મશીન વિતરણમાં લાયન્સ ક્લબ મોરબી સીટીના વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા અને જસ્વીકા રૂપાલા, કેશુભાઈ દેત્રોજા અને ટી સી ફુલતરીયા હાજર રહ્યા હતા. ગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રયોજક દેવકરણભાઈ આદ્રોજા અને ચંદ્રકાન્ત દફતરી, શારદાબેન આદ્રોજા, અને વિનુભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાજલબેન અને રાજુભાઈ દેત્રોજા દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું. આ સાથે દાતા પરિવારના હીનાબેન વાસદડીયા અને પ્રીતિબેન મારવણીયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.