શહેરના 20 થી વધુ મોટા આયોજનોની વિસર્જન યાત્રાઓ નીકળી, ઠેર-ઠેર મહાઆરતીના આયોજન સાથે બાપ્પાને વિદાયમોરબી અપડેટ : મોરબી શહેરમાં 11 દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવની આજે ભારે ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ રહી છે અને અત્યારે સાંજની વેળાએ પણ મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન ચાલી રહ્યું છે. શહેરભરમાંથી સવારથી જ વાજતે ગાજતે વિસર્જન યાત્રાઓ નીકળ્યા બાદ મહાપાલિકા દ્વારા ઊભા કરાયેલા 4 કલેક્શન સેન્ટરો પર મૂર્તિઓ એકત્ર કરવાની કામગીરી અવિરત ચાલુ છે. આ તમામ મૂર્તિઓને રવાપર-વીરપર પાસે નિર્ધારિત કરાયેલા સુરક્ષિત સ્થળે પહોંચાડીને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા સતત ચાલી રહી છે. આવતા વર્ષે જલ્દી પધારવાની પ્રાર્થના સાથે ભક્તો બાપ્પાને ભાવભીની વિદાય આપી રહ્યા છે.ગણેશ વિસર્જનના અંતિમ દિવસે સવારથી જ શહેરના રાજમાર્ગો ગગનભેદી નારાઓ અને ઢોલ-નગારાના તાલે ગૂંજી ઊઠ્યા છે. અત્યારે સાંજના સમયે પણ શહેરમાં 20 થી વધારે મોટા આયોજનો દ્વારા કાઢવામાં આવેલી વિશાળ વિસર્જન યાત્રાઓ માર્ગો પર ફરી રહી છે. આ યાત્રાઓ દરમિયાન મૂર્તિઓ સમક્ષ ઠેર-ઠેર મહાઆરતી પણ કરવામાં આવી રહી છે. જેમાં સિદ્ધિવિનાયક રાજાની બાપા સીતારામ ચોક ખાતે મહાઆરતી યોજાઈ છે, જ્યારે મયુર નગરી કા રાજાની કેપિટલ માર્કેટ ખાતે પણ મહાઆરતી કરવામાં આવી રહી છે. ભક્તો 11 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ભારે હૈયે ગણપતિ બાપ્પાને વિદાય આપી રહ્યા છે.મહાનગરપાલિકા દ્વારા સામાકાંઠે એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ, એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને સ્કાય મોલ પાસે બનાવવામાં આવેલા કલેક્શન સેન્ટરો પર ભક્તો સતત મૂર્તિઓ લઈને પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓ અબીલ-ગુલાલની છોળો વચ્ચે મૂર્તિઓ કલેક્શન સેન્ટર ખાતે પાલિકાની ટીમને અર્પણ કરી રહ્યા છે. આ સેન્ટરો પરથી મૂર્તિઓને રવાપર-વીરપર પાસે તૈયાર કરાયેલા વિસર્જન પોઇન્ટ પર લઈ જવાની પ્રક્રિયા હાલમાં પણ ચાલી રહી છે. વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારે સાંજ સુધી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓ ખડેપગે તૈનાત છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 300 થી વધારે મૂર્તિઓનું જળમાં સુરક્ષિત રીતે વિસર્જન કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ રાત સુધી આ કામગીરી અવિરત ચાલવાની છે.