લોકડાઉનમાં રામનવમી તથા હનુમાન જયંતિની ઉજવણી કર્યા બાદ વિનાયક ચતુર્થીની ભવ્યતાથી ઉજવણી કરતુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા લોકડાઉનની શરૂઆતથી જરૂરીયાતમંદો માટે ફુડ પેકેટ વિતરણની વ્યવસ્થા શરૂ કરવામા આવી છે. ત્યારે ગઈકાલે વિનાયક ચતુર્થીના પાવન પર્વ નિમિતે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિઘ્નહર્તાનુ પૂજન કરવામા આવ્યુ હતુ ત્યારબાદ ચુરમાના લાડુ, દાળ, ભાત, શાક, પૂરી સહીતની વાનગીઓના ફુડ પેકેટ જરૂરીયાતમંદોને વિતરણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા લોકડાઉનના સમયમાં રામનવમીની ઉજવણી ભવ્યતાથી કરવામા આવી હતી. તે ઉપરાંત, હનુમાન જયંતિના પર્વ નિમિતે શહેરના વિવિધ ૫૧ હનુમાન મંદિરોએ સંસ્થાના આગેવાનોએ પૂજન કરી ફુડ પેકેટ વિતરણ કર્યુ હતુ. ત્યારે ગઈકાલે વિનાયક ચતુર્થીની પણ અનોખી ઉજવણી કરવામા આવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ એ યાદીમાં જણાવેલ છે.