સર્વપ્રથમ પૂજનીય વિઘ્નહર્તા દેવ ગણેશના મહોત્સવનો આજથી પ્રારંભ ગણોનાં સ્વામી હોવાને કારણે ગણપતિ, હાથી જેવું શિશ હોવાને લીધે ગજાનન તો એક દાંત તોડી મહાભારત લખ્યું હોવાથી એકદંત કહેવાયા સર્વપ્રથમ પૂજનીય વિઘ્નહર્તા દેવ એવા ગણેશના મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભાદરવા સુદ ચોથ એટલે રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવનો પ્રાગટ્ય દિવસ. ગણેશપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, શિવપુરાણ અનુસાર આજના દિવસે ગણેશજીનો જન્મ થયો હોવાનું મનાય છે. આ વર્ષે આજે 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી હોવાથી ઠેર-ઠેર 'ગણપતિ બાપ્પા મોરીયા'ના નાદ સાથે ગણોના અધિપતિ ગણેશ દેવતાની સ્થાપના કરી પૂજા-અર્ચના કરી તેમના પ્રિય એવા મોદકનો ભોગ ચડાવવામાં આવશે. દેવોના દેવ મહાદેવ શિવ અને દેવી પાર્વતીના પુત્ર અને રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. તેમના ભાઈ શ્રી કાર્તિકેય તથા તેમના બે પુત્રો શુભ અને લાભ છે. તેમને લાલ રંગનાં પુષ્પો પ્રિય છે. તેમને દુર્વા (દૂબ) શમી-પત્ર ચડાવવામાં આવે છે. તેઓ જલ તત્વનાં અધિપતિ ગણાય છે. તેમના પ્રમુખ અસ્ત્ર પાશ અને અંકુશ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે. ગણપતિ આદિદેવ ગણાય છે. જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું મનાય છે.આમ તો ગણેશજીના અનેક નામો છે પરંતુ તેમાંથી 12 મુખ્ય નામોમાં સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનનનો સમાવેશ થાય છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી, પરંતુ તેને લખનારા ગણપતિ હતા. તેમણે એક દાંત તોડી મહાભારત લખ્યું. આથી, તેઓ એકદંત કહેવાયા. હિંદુ ધર્મ અનુસાર કોઇપણ કાર્યની શરૂઆત ગણેશજીનું નામ સ્મરણ થકી કરવામાં આવે છે. ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે. દરેક કાર્યની સફળતા માટે દૂરદર્શી નિર્ણય અને કુશળ નેતૃત્વની આવશ્યકતા હોય છે. એટલે કાર્યની શુભ શરૂઆત કરવા ગણપતિને આમંત્રણ આપવામાં આવે છે. ગણેશજીના આગમનથી વિઘ્નોનો નાશ થાય છે. આથી, શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..