૧૧,૩૮૦ની રોકડ કબ્જે લેવાઈ : ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હળવદ : હળવદ તાલુકામાં જુગારની મૌસમ ખીલી હોય તેમ રોજે રોજ જુગાર કલબ ઝડપાઇ રહી છે. તેવામાં નવી જોગડ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને રૂપિયા ૧૩ હજારની રોકડ સાથે ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદમાં જુગારીયાઓ પટમાં આવ્યા હોય તેમ રોજબરોજ જુગાર રમતા પ્રેમીઓ પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે ત્યારે તાલુકાના નવી જોગડ ગામે રહેણાક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પી.આઈ પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ જી.પી. ટાપરિયા, મુમાભાઈ કરોત્રા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, હરપાલ સિંહ રાઠોડ સહિતનાઓએ હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આઠ પતા પ્રેમીઓને પતા ટીચતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જુગારના પટમાંથી રૂપિયા ૧૩૩૮૦ની રોકડ તેમજ આરોપી અક્ષયભાઈ મજેઠીયા, પરબતભાઈ, પ્રહલાદભાઈ સુરેલા, બાબુભાઈ લોદરીયા, પ્રહલાદ ઢવાણિયા, મુકેશભાઈ ફુલતરિયા, દિનેશભાઈ સુરેલા અને સંદીપભાઈ સહિત આઠને ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી ભરતભાઈ મજેઠીયા જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.