શાંતિ યજ્ઞ, વડીલ વંદના, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારના સદસ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ મોરબી: પાંચા બાપા ગડારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વાગુદડ મુકામે ખેંગારકા અને પીપરટોડા ગામના ગડારા પરિવારના યજમાનપદે ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પ્રમુખ સ્થાને પરિવાર મિલન તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે શાંતિ યજ્ઞ, વડીલ વંદના, બ્લડ ડોનેશન કેમ્પ તથા કોરોના કાળમાં મૃત્યુ પામેલા પરિવારના સદસ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆત શૈલેષભાઈએ સ્વાગત પ્રવચન કરી કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ મહેન્દ્રભાઈ પાડલીયાએ બાળકોને ઉજ્જવળ કારકિર્દી માટે સ્કિલ અને ડિગ્રી વચ્ચેની તુલના સ્પષ્ટ કરી હતી. રાઘવજીભાઇએ આર્થિક પ્રગતિમાં સંઘર્ષ અને પરિવારનો સહકાર પ્રગતિના સોપાન સર કરવા જરૂરી હોવાનું સમજાવ્યું હતું. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોએ પણ પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું. વડીલ વંદના કાર્યક્રમમાં ૯૦થી વધુ વયના માતા-પિતાનું સન્માન કરાયું હતું. ઉમિયા પદયાત્રિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કને 71 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 2200 જેટલા પરિવારજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ ભાવેશભાઈ ગડારાએ કરી હતી.