FSLની ટીમે શંકાસ્પદ વસ્તુના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા, પાર્સલ આપી જનાર શખ્સની શોધખોળ વાંકાનેર : સરતાનપર રોડ ઉપર આવેલી સીરામીક ફેકટરીને પર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળવા મામલેની તપાસમાં એફએસએલની ટીમે ઝંપલાવ્યું છે. એફએસએલની ટીમે આ શંકાસ્પદ વસ્તુના નમૂના લઈને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે. જો કે આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગઈકાલે રાત્રે ત્રણ જેટલા શંકમંદોને ઉઠાવીને ઉલટ તપાસ કરી હતી. પણ એમાં હજુ કોઈ કડી હાથ લાગી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ પોલીસને પાર્સલ આપી જનાર શખ્સની તલાશ છે. એ ઝડપાયા બાદ જ આખું ચિત્ર સ્પષ્ટ થશે. વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સીરામીક ફેકટરીને પર્સલમાં ગુરુવારે સાંજે બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. કોઈ હિન્દી ભાષી શખ્સ આ પાર્સલ આપી ગયો હતો. જે કારખાનાના ભાગીદારે ખોલતા બૉમ્બ જેવી વસ્તુઓ મળતા તુરત જ જિલ્લાભરની પોલીસ એલર્ટ બની હતી. આ ઘટના બાદ રાજકોટની બૉમ્બ ડિસ્પોઝ સ્કવોર્ડ તુરત જ દોડી જઈને બૉમ્બને ડીફ્યુઝ કર્યો હતો. આ બનાવ અંગે એફએસએલની ટીમે સઘન તપાસ આદરી છે. જેમાં જે શંકાસ્પદ વસ્તુ મળી હતી તેના નમૂના લઈને પુથક્કરણ માટે લેબોરેટરી કરવા લઈ ગઈ છે. ખરેખર આ બોમ્બમાં કઈ કઈ સામગ્રી હતી તેની એફએસએલની ટીમ તપાસ ચાલવી રહી છે. જ્યારે એસપીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ, એસઓજી, એલસીબી સહિતની પોલીસની ટીમો આ શંકાસ્પદ બૉમ્બ પ્રકરણની તપાસ હાથ ધરી છે. પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. સીરામીક ફેકટરીમાં જતીન નામનો હિન્દીભાષી શખ્સ પાર્સલ આપી ગયો હતો. બાદમાં ફેકટરીના માલિકને મેસેજ પણ કર્યા હતા. આથી હાલ આ શખ્સ કોણ અને ક્યાંથી આવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે અને તેની વિવિધ દિશામાં શોધખોળ હાથ ધરી છે. એસપીએ ગઈકાલે જ ખુલાસો કર્યો હતો કે, પર્સલમાં શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટક સામગ્રી ન હતી. પણ બૉમ્બ બનાવવાની તમામ સામગ્રી હતી. આ બોમ્બની અંદર એક ચિઠ્ઠી પણ નાખેલી હતી. મેસેજ દ્વારા પણ વાતચીત થઈ હતી.જો કે કયા પ્રકારના મેસેજ થયા તે અંગે હજુ સુધી પોલીસે વિગતો જાહેર કરી નથી. હજુ સુધી આ બનાવની ફરિયાદ નોંધાઇ નથી. જો કે ગઈકાલે જ પોલીસે ત્રણ જેટલા શંકમંદોની પૂછપરછ કરી હતી. પણ એમાં કોઈ મહત્વની કડી મળી ન હતી. હવે પાર્સલ આપી જનાર જનીત નામનો શખ્સ જ આ રહસ્યનું કોકડું ઉકેલી શકે એમ હોય હાલ પોલીસે તેની શોધખોળ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.