મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરમાં ગટરના પાણી ઉભરાવાનો કોઈ ઉકેલ ન કરવામાં આવતા આજે મહિલાઓ દ્વારા પાલિકા ખાતે 2 કલાક સુધી બેસી વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.આ રજુઆત દરમ્યાન તેમને જણાવ્યું કે, આ વિસ્તારમાં અંદાજે 500 જેટલા મકાનો છે. આખા વિસ્તારમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા લોકો રહે છે. છેલ્લા બે માસથી ગટરના પાણી ઉભરાય છે અને ઘરની અંદર ઘુસી ગયા છે. પાલિકામાં અઠવાડિયામાં બે વાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી અને ઘરમાં પાણી ભરાઈ રહેતા ચામડી સહિતના રોગો થાય છે. તેથી અહીં રહેતા લોકો કંટાળીને બીજે રહેવા જવાનું વિચારી રહ્યા છે. ઉગ્ર રજૂઆત બાદ પાલિકા દ્વારા મહિલાઓની વાત સાંભળીને બપોર પછી ગટર સફાઈ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.