મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કામગીરી બહિષ્કારની જાહેરાત : માત્ર જન્મ-મરણ નોંધણીની કામગીરી ચાલુ રખાશેમોરબી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે પોતાની વિવિધ માંગણીઓ અને જોબચાર્ટ અંગે યોગ્ય ઉકેલ ન આવતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે આવતીકાલે 03 જુલાઇથી મોરબી જિલ્લા સહિત રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ મહેસૂલી તેમજ અન્ય વધારાની કામગીરીથી અળગા રહેશે.મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તમામ તલાટી-કમ-મંત્રીઓને જાણ કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળના આદેશ અનુસાર તારીખ 03 જુલાઈ 2026થી જિલ્લામાં જન્મ અને મરણની નોંધણી સિવાયની તમામ મહેસૂલી કામગીરી બંધ રાખવામાં આવશે. મંડળ દ્વારા તમામ તલાટી મિત્રોને આ નિર્ણયનો ચુસ્તપણે અમલ કરવા અને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.તલાટી મંડળ દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 03 જુલાઈ 2026થી વધારાની મહેસૂલી કામગીરી બંધ કરવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને જન્મ અને મરણની નોંધણીની કામગીરી રાબેતા મુજબ યથાવત ચાલુ રાખવામાં આવશે. મહામંડળના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીઓને જોબચાર્ટ નક્કી કરવા અંગે સરકાર સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં અત્યાર સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આ દરમિયાન સરકારે નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો જાહેર કર્યા છે. જેથી મહામંડળે નિર્ણય લીધો હતો કે નવા નિમણૂક પામેલા રેવન્યુ તલાટીઓ ફરજ સંભાળે તેના બીજા દિવસથી હાલના તલાટી કમ મંત્રીઓ તમામ વધારાની કામગીરી બંધ કરશે. આ સાથે જ મહામંડળે પોતાના તમામ જિલ્લા અને તાલુકા હોદ્દેદારોને આ નિર્ણયનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા અને DDO તથા કલેક્ટરને સત્તાવાર આદેશ પ્રસિદ્ધ કરી જાણ કરવા સૂચના આપી છે. તલાટીઓના આ નિર્ણયથી મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં મહેસૂલી અને અન્ય વહીવટી કામગીરી પર મોટી અસર પડી શકે તેવી શક્યતા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TalatiMantri #GujaratTalatiMandal #RevenueDepartment #GujaratNews