ગરવી ગુજરાત સાઇટ પર અવારનવાર ક્ષતિઓ આવતા ટોકન મેળવવામાં અરજદારોને પારાવાર હાલાકી મોરબી : રાજ્યભરમાં ચાલતી દસ્તાવેજ નોંધણીઓની ઓનલાઈન પ્રક્રિયામાં નબળી સિસ્ટમને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા હોય એવા બનાવો રોજીંદા બન્યા છે ત્યારે મોરબીમાં પણ ઓન લાઈન પ્રક્રિયા રગસિયા ગાડાની માફક ચાલતી હોવાનું જાણવા મળે છે. રાજયભરમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની અરજીઓ અને તેને લગતી અલગ અલગ કાર્યવાહી માટે રાજ્ય સરકાર દ્વારા 'ગરવી ગુજરાત'નામથી વેબસાઈટ તૈયાર કરવામા આવી છે. જેમાં દસ્તાવેજ નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન, ઇ ચલણ ભરવા, ઇન્ડકેસ (2) મેળવવા તેમજ અન્ય જરૂરી કામગીરી તેના થકી કરવામાં આવતી હોય છે. જોકે આ વેબસાઈટ પર રાજ્યભર વર્ક લોડ વધુ રહે છે જેની સામે તેનું સર્વર નાનું હોવાથી અવાર નવાર સાઇટ બંધ થઈ જાય છે. તો કયારેક એવી પણ સમસ્યા સર્જાય છે કે અરજદારો દ્વારા ટોકન મેળવવા અરજી કરી દીધા બાદ તેંમના ખાતામાંથી ભરવા પાત્ર રકમ કપાઈ જાય છે પણ તિજોરી વિભાગને તે રકમ મળતી નથી. આ સમસ્યાને કારણે અરજદારોને ફરીવાર અરજી કરી નવા ટોકન મળે ત્યાં સુધી રાહ જોવી પડે છે. તો પૈસા પરત મેળવવા ફરી બેંકનો સંપર્ક કરવો પડે છે. દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં પારદર્શકતા જળવાઇ રહે તે માટે આ સાઇટ શરૂ કરવામાં આવી છે. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરરોજ 100થી વધુ દસ્તાવેજ જ્યારે અન્ય તાલુકાઓમાં પણ દસ્તાવેજ નોંધ થતી હોય છે ત્યારે સર્વરમાં સર્જાતી ખામીને કારણે અરજદારો અને તેમના વકીલનો સમય બરબાદ થતો હોવાની ફરિયાદ ઊઠી છે. આ બાબતે સ્થાનિક સ્તરે ફરિયાદ કરવામાં આવે તો તેઓ દ્વારા ગાંધીનગરથી સાઇટની કામગીરી થતી હોવાથી તેઓ પણ કશું કરી શકે તેમ નથી તેમ કહી હાથ અદ્ધર કરી દે છે. અરજદારો અને વકીલોની સમસ્યા બાબતે રાજય સરકારના સબંધિત વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી મોરબીમાં રેવન્યુ બાર એસોશિએશન સાથે જોડાયેલ વકીલો દ્વારા માગણી કરવામાં આવી છે.