રહેણાંક કનેકશનોમાં રૂ. 84.25 લાખ અને કોમર્શિયલમાં રૂ. 12.78 લાખની ગેરરીતિ સામે આવી મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં રૂ. 97 લાખની વીજચોરી પકડાઈ છે. જેમાં સૌથી વધુ રહેણાંક કનેક્શનમાં રૂ. 84.25 લાખ અને કોમર્શિયલમાં રૂ. 12.78 લાખની ગેરરીતી સામે આવતા દંડ ફટકારવામાં આવ્યા છે. મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હળવદ, ચરાડવા, સરા, વાંકાનેર, માળિયા, ટંકારા, મોરબી શહેરમાં તા.16થી 21 મે દરમિયાન છ દિવસ વીજ ચેકીંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર, ભુજ, અંજાર અને મોરબીની 30 ટિમો દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા આ છ દિવસમાં રહેણાંકના 2926, કોમર્શિયલના 30 અને ખેતીવાડીના 10 મળી 2966 વીજ કનેકશન ચેક કર્યા હતા. જેમાં રહેણાંકમાં 338, કોમર્શિયલમાં 9 અને ખેતીવાડીમાં 1 મળી કુલ 348 વીજ કનેક્શનમાં પાવર ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. આ બદલ રહેણાંક કનેક્શનને રૂ. 84 25 લાખ, કોમર્શિયલને રૂ. 12.78 લાખ અને ખેતીવાડીને રૂ. 10 હજાર મળી કુલ 97.13 લાખના બીલ ફટકારવામાં આવ્યા છે.