નેશનલ હાઈવે ઓથોરીટી ટોલના દરોમાં ૫ ટકા વધારો કરશેઃ માસિક પાસના ભાવો પણ વધશે મોરબી : ૧લી એપ્રિલથી નેશનલ હાઈવે ઓથોરીટી ટોલના દરોમાં ૫ ટકા વધારો કરવાની તૈયારીમાં છે તો માસિક પાસની કિંમતમાં પણ ૧૦ થી ૨૦ રૂ.નો વધારો થશે જેને પગલે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કારનો પ્રવર્તમાન ટોલટેક્સ રૂ.95થી વધી 100 થશે જયારે ટ્રકનો ટોલટેક્સ 500થી વધુ થશે. નેશનલ હાઈવે ઓથોરીટી દર નાણાકીય વર્ષમાં ટોલ ટેક્ષ વધારે છે. ફાસ્ટટેગ ફરજીયાત કર્યા બાદ ટોલ ટેક્ષમાં વધારાથી ટ્રાન્સપોર્ટરોની સાથે સાથે સામાન્ય લોકો પર પણ બોજો પડશે.નવા ભાવ ૧લી એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે. જેને લઈને ફોરવ્હીલર અને તેનાથી મોટા વાહનોએ વધુ ટેકસ આપવો પડશે.આ ઉપરાંત નિયમીત યાત્રિકોએ પણ ટોલના વધારેલા બોજાનો સામનો કરવો પડશે. માનવામાં આવે છે કે માસિક ટોલમાં પણ ૧૦થી ૨૦ રૂ.નો વધારો થશે. હાલમાં મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ફોર વ્હીલના સિંગલ સાઈડના 95 રૂપિયા અને ટ્રકના રૂ.495 વસુલ કરવામાં આવે છે જેમાં 1 એપ્રિલથી 5 ટકાનો વધારો થતા કાર ચાલકોને 100 રૂપિયા અને ટ્રક ચાલકોને 500થી વધુનો ચાંદલો કરવો પડશે.આશ્ચર્ય તો એ વાતનું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તોતિંગ ટોલટેક્સના ઉઘરાણા કરવા છતાં સર્વિસ રોડ મરામત કરવાનું કે ગાબડાં બુરવાની પણ દરકાર લેવાતી નથી ત્યારે હવે લોકોને પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા બાદ વધુ એક ડામ સહન કરવા તૈયાર રહેવું પડશે.