રફાળેશ્વર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જીનીયરને આવેદન પાઠવ્યું, ચોમાસા પૂર્વે યોગ્ય મરામત કરીને પૂરતી વીજળી આપવાની માંગ કરી મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસી ઉદ્યોગ ઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સતત વીજળી ગુલ થતા નાના મોટા ઉદ્યોગમાં વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. જો કે નજીક આવેલ લાલપર વીજ સબ ડિવિઝનમાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ ઉદ્યોગમાં વીજ ધાંધિયા યથાવત રહ્યા છે. આથી વધુ નુકસાની જતા ખોટ સહન ન થવાથી અંતે રફાળેશ્વર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જીનીયરને આવેદન પાઠવ્યું છે અને ચોમાસા પૂર્વે યોગ્ય મરામત કરીને પૂરતી વીજળી આપવાની માંગ કરી છે. રફાળેશ્વર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ મોરબીની મુખ્ય પીજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જીનીયરને આવેદન આપીને જણાવ્યું હતું કે, રફાળેશ્વર જીઆઇડીસીમાં અંદાજે નાના મોટા 250 જેટલા ઉદ્યોગો આવેલા છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છેલ્લા ઘણા સમયથી સતત વિજકાપનો પ્રશ્ન ગંભીર છે. જેમાં જીઆઇડીસી ઉદ્યોગ ઝોનમાં ગમે ત્યારે દિવસમાં વીજળી ગુલ થઈ જાય છે ઉદ્યોગમાં કામ ચાલુ હોય અને આંચનક વીજળી જતી રહે તો ઉદ્યોગોના ઉત્પાદનના મોટી નુકશાની આવે છે. ઘણા બધા નાના યુનિટો સતત વિજકાપથી ખોટ સહન કરી શકે એમ નથી. આ મામલે નજીકના લાલપર વીજ સબ ડિવિઝનમાં અધિકારીઓને અનેક વખત રજુઆત કરી હોવા છતાં ઉદ્યોગોમાં પાવર કાપ અને લાઇન ટ્રીપિગનો પ્રશ્ન ખૂબ જ ગંભીર રહે છે. સતત વીજળી ગુલથી ઉદ્યોગમાં મોટી નુક્શાનીથી ઉદ્યોગકારોની ધીરજ ખૂટી હતી અને મોરબી ખાતે પીજીવીસીએલની વડી કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા અને આ એસોસિએશનના પ્રમુખ અમિત કાસુન્દ્રા, સેક્રેટરી યોગેશભાઈ દેત્રોજા, બીપીનભાઈ પટેલ, રાજુભાઇ પટેલ, અંતિમસિંહ જાડેજા, ઉપેન્દ્રભાઈ સહિતના ઉદ્યોગકારો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું અને જીઆઇડીસી બનેલ ત્યારથી જ વાયર તથા જંપર બદલાવેલ નથી. તેથી આ વાયર અને જંપર જર્જરિત હાલતમાં હોય ચોમાસામાં પહેલા મરામત કરવાની માંગ કરી છે.જેથી વીજતંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાત્રી આપી છે.