મોરબી : જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીની સૂચના મુજબ તાલુકા હેલ્થ કચેરી મોરબી તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો નિ:શુલ્ક સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. આ સ્ક્રીનીંગ કેમ્પને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીવાસ્તવ તથા ડો.ડી.વી. બાવરાવાની પ્રેરક ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરીને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ 113 દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ 48 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ 35 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સરનાં કુલ 30 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગમાંથી વધુ સારવાર માટેનાં 9 દર્દીઓને રીફર કરવામાં આવેલ તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્શન કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસના આરોગ્ય શાખા તાલુકા હેલ્થ સુપરવાઈઝર એસ.એમ પારેજીયા, એ.ડી.જોશી અને NCD સેલના ગૌરવ બારોટ, તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગરના મેડિકલ ઓફિસર ડો.શ્રેયા માતરીયા તથા તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રોહિતભાઈ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયાએ પણ કેમ્પમાં હાજરી આપી હતી.