મોરબી : ગુજરાતી નૂતન વર્ષની અનોખી ઉજવણીના ભાગરૂપે, પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા શહેરના નાગરિકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી રવિવાર, તારીખ 9 નવેમ્બર 2025 ના રોજ યોજાશે. કેમ્પનો મુખ્ય હેતુ પ્રજામાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો છે અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે.કેમ્પનું આયોજન સવારે 09 થી બપોરના 12 વાગ્યા સુધી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના વિશેષ મહેમાન તરીકે મોરબી ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ તથા સિરામિક એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું ઉદ્ઘાટન કરશે.આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડોકટરોની ટીમ તેમની સેવાઓ નિઃશુલ્ક આપશે. જેમાં આંખના રોગ, ડેન્ટલ કેર, મેડિસીન, ઓર્થોપેડિક, સ્ત્રી અને પ્રસૂતિ રોગ, ચામડીના રોગ અને જનરલ તેમજ લેપ્રોસ્કોપિક સર્જન સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. અગત્યની વાત એ છે કે, કેમ્પ દરમિયાન દર્દીઓ માટે જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા શહેરના તમામ નાગરિકોને આ ફ્રી મેડિકલ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.