મોરબી જિલ્લાની 9500 દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ, તબીબોએ અફવાઓથી દૂર રહેવા કરી અપીલમોરબી: નારી શક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોપરી ગણતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ના નિર્મૂલન માટે કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી સમયમાં સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ 14 વર્ષની વયની કિશોરીઓ માટે ‘HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ’ અભિયાન શરૂ છે અને દીકરીઓને રસી અપાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાવેલ આ રાજ્યવ્યાપી ‘HPV રસીકરણ’ અભિયાન તંદુરસ્ત દીકરી, તંદુરસ્ત પરિવારના મંત્ર સાથે શરૂ કરવામાં આવ્યું છે.મોરબીમાં 9500 દીકરીઓને રસી આપવાનું લક્ષ્યાંકમોરબી જિલ્લામાં અંદાજે 9500 જેટલી દીકરીઓને આ રસી આપવાનું ભગીરથ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા એક ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરનાર (પરંતુ 15 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવી) દીકરીઓની ઓળખ માટે આશા કાર્યકરો દ્વારા ‘હેડ કાઉન્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી હોય કે શાળા બહારની, તમામ લક્ષિત દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.શા માટે આ રસી અનિવાર્ય છે?મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા આ અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “ભારતમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે HPV વેક્સિન એ એકમાત્ર અસરકારક શસ્ત્ર છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં, પરંતુ વજાઇનલ, એનલ અને એનોફેરેન્જિયલ સહિત કુલ 6 પ્રકારના કેન્સર તેમજ કિશોરીઓમાં થતા મસા (Warts) સામે રક્ષણ આપે છે.”વધુમાં તેઓ ઉમેરે છે કે, “14 થી 15 વર્ષની વયના ગાળામાં જ આ રસી આપવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ‘બુસ્ટર ડોઝ’ મળે છે. ખાનગી હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ એવી આ રસી સરકાર દ્વારા હવે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનો લાભ દરેક વાલીએ લેવો જોઈએ”.અફવાઓથી દૂર રહેવા અપીલઆ રસી સંપૂર્ણપણે સલામત અને લેબોરેટરીમાં પરીક્ષિત છે. જોકે, તકેદારીના ભાગરૂપે જે દીકરીઓ બીમાર હોય અથવા અગાઉ કોઈ ગંભીર એલર્જીની હિસ્ટ્રી હોય તેવી સ્થિતિમાં આ રસી આપવાની રહેશે નહીં. રસીકરણ માટે વાલીઓનું સંમતિ પત્રક અનિવાર્ય રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં ફેલાતી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવા તબીબો અને તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #Health #HPV #Vaccination #CervicalCancer #Awareness #MorbiUpdate #GovernmentScheme #DaughtersHealth #CancerFreeFuture