વજેપરની કિંમતી જમીનના માલિકના નામે ખોટા આધારકાર્ડ બનાવી કરાઈ છેતરપિંડી મોરબી : મોરબીમાં હવે રાજકોટની જેમ રોજે રોજ જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના એક ધંધાર્થીને જમીનમાં ભાગીદારી આપવાનું કહી રૂપિયા 35 લાખ રોકડા પડાવી લઈ જમીન માલિકને બદલે ખોટા આધારકાર્ડ વાળા મહિલા પુરુષ હાજર રાખી કરાર કરી છેતડપિંડી આચરવામાં આવતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં ’’ખોડીયાર કૃપા’’મકાનમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયાને મોરબીના વજેપરમાં આવેલી જમીનમાં બેઠી ભાગીદારી આપવાનું કહી વિનુભાઇ તળશીભાઇ અઘારા રહે.મોરબી રવાપર વાળાએ શીશામાં ઉતારવાનો સુવ્યવસ્થિત પ્લાન ઘડી કાઢી રૂપિયા 35 લાખ રોકડાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે મુકેશભાઈ રાદડિયા છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમના પરિચિત અને મુખ્ય ભેજાબાજ એવા વિનુભાઈ તળશીભાઈ અધારા, જમીન માલિક ન હોવા છતાં ખોટા આધારકાર્ડને આધારે ખાતેદારની ભૂમિકા ભજવનાર જયાબેન વશરામભાઇ ડાભી, ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો) મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં તમામ આરોપીઓએ સુનિયોજિત કારસો રચી મોરબી રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલ વૈજંતીબેન વાઘેલાની ઓફીસમાં જમીનમાં ભાગીદારી આપવા માટેનો કરાર કરી વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ની જમીનમાં ભાગીદારી કરવા મુકેશભાઈ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.