કેશલેશ ભારતની પરિકલ્પનામાં વિઘ્નો નાંખતી લેભાગુ કંપનીઓ સામે કડક હાથે કામ લેવા યુવાને પોલીસને કરી રજુઆત મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટચાર ડામવા અને બે-નંબરી રૂપિયાની હેરફેર પર લગામ કસવા તથા છેવાડાના માણસો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે એ માટે કેશલેશ ભારતની પરિકલ્પના કરી છે. જો કે, ઓનલાઈન ખરીદીમાં કેશલેશ પ્રક્રિયામાં ઘણી લેભાગુ કંપનીઓ ગ્રાહકોને છેતરી રહી હોવાના સેંકડો બનાવો બનતા રહે છે. ત્યારે મોરબીના એક યુવાનને પણ ઓનલાઈન શોપિંગ કરવા જતાં રૂપિયા 8 લાખનો ધુમ્બો લાગ્યો હતો. આશરે એકાદ વર્ષ પહેલાં મોરબીના નવલખી રોડ સ્થિત કુબેર ફાટક પાસે રોયલપાર્ક સોસાયટીમાં રહેતા ગીરીશભાઈ ધનજીભાઈ કાવર નામના યુવાને કોઈમ્બતુરના રામનાથપૂરમ સ્થિત 'પૈઝાપે' (PAIZAPAY) અને 'મોબીપે' નામની બે બ્રાન્ડ ધરાવતી કંપની પાસેથી ઓનલાઈન શોપિંગ કરવા માટે કંપનીની એપ્લિકેશન મારફત સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગીરીશભાઈએ કંપનીમાં રૂપિયા 8 લાખ જેવી રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે, ત્યારબાદ કંપની તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા વારંવાર ફોન, મેસેજ, મેઇલ કરવા છતાં સંતોષકારક જવાબ જ ન મળતા આખરે ગીરીશભાઈએ ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ લખાવી હતી. આમ છતાં હજુ સુધી ગયેલા રૂપિયા પરત ન મળતા આખરે યુવાને પીએમ. મોદીને સીધો પત્ર લખી ઉચિત ન્યાયની માંગણી કરી છે. ઉક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ તો કહેવાતી ઓનલાઈન કંપની ગ્રાહકોને લૂંટવા માટે રીતસર જાળ બિછાવતી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ચીટર કંપનીની મોડેસ ઓપરેન્ડી પ્રમાણે કંપની દ્વારા મોટી મોટી જાહેરાતો નેટના માધ્યમથી કરવામાં આવે છે. જેમાં સંભવિત ગ્રાહકને એક પેકેજ પ્રમાણે 29000 રૂપિયા ઓનલાઈન જમા કરાવવાનું કહીને ત્યારબાદ દરરોજ ગ્રાહકના વોલેટ એકાઉન્ટમાં રૂપિયા 500 કંપની તરફથી નાંખવામાં આવે છે. આ રીતે 109 દિવસ સુધીમાં કંપની 54000 હજાર ગ્રાહકના વોલેટ એકાઉન્ટમાં જમા કરાવતી. આ વોલેટ એકાઉન્ટમાંથી ગ્રાહક એ રકમ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકતી. જો કે, આગળ જતા કંપની દરરોજ રૂ.500ની જમા કરેલ રકમ માત્ર વોલેટ પૂરતી જ રહેતી અને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી નહીં. ત્યાર બાદ ચીટર કંપનીનો અસલી ચહેરો બહાર આવતો અને કંપની દ્વારા જણાવવામાં આવતું કે વોલેટ એકાઉન્ટમાં જમા થયેલી રકમમાંથી ગ્રાહકે કંપનીની સુચવેલી ગોલ્ડ કોઈન ખરીદવાના અને એ માટે 1 લાખ રૂપિયાની મિનિમમ ખરીદી કરવાની. આ ગોલ્ડ કોઈનની ખરીદીમાં રૂપિયા 40 હજાર ગ્રાહકના વોલેટ એકાઉન્ટમાં કંપનીએ ટ્રાન્સફર કરેલ રૂ. 500 - 500ની એકઠી થયેલી રકમમાંથી કપાય અને રૂપિયા 60 હજાર ગ્રાહકે પોતાના તરફથી કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેતા. ઉક્ત છેતરપિંડીના બનાવમાં કંપનીએ આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી વાપરીને શરૂઆતમાં ગ્રાહકને 1 લાખ રૂપિયાની કિંમતના ગોલ્ડ કોઈન (સોનાના સિક્કા, કે જે 5થી લઈને 10, 20, ગ્રામ સુધીના હોઈ શકે) ગ્રાહકને મોકલી આપ્યા હતા. જો કે, ત્યારબાદ લાલચમાં આવીને ગ્રાહક વધુ રૂપિયા ટ્રાન્સફર કરી આપે એટલે કંપની જે-તે ગ્રાહકને ગોલ્ડ કોઈન ન મોકલીને જવાબ આપવાનું પણ બંધ કરી દ્યે. આવી છેતરપિંડીમાં સપડાયેલા ગીરીશભાઈના કથન અનુસાર મોરબી જિલ્લામાંથી સેંકડો લોકોને ચીટર કંપનીએ ચુનો લગાવ્યો છે. જેની તપાસ થાય તો ગયેલી રકમનો આંક ખૂબ મોટો હોવાનું સામે આવે એમ છે. ગીરીશભાઈએ પીએમ.ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉક્ત કંપની જેવી સેંકડો કંપનીઓ ઓનલાઈન ખરીદીની એપ્લિકેશન મારફત દરરોજ સેંકડો, હજારો ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે. ફરિયાદો કરવા છતાં આવી કંપનીઓ સામે કોઈ કાર્યવાહી ન થતા વધુને વધુ લોકો રોજ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ઉક્ત કંપની સામે મારા સહિત ઘણા ગ્રાહકોની ફરિયાદ હોવા છતાં એ કંપનીની એપ્લિકેશન હજુ પણ કાર્યરત છે અને હજુ પણ નિર્દોષ ગ્રાહકોને ઓનલાઈન લૂંટી રહી છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ ભારત સરકારે ચાઇનાની ઘણી જોખમી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ગીરીશભાઈએ પીએમ.ને વિનંતી કરી છે કે આવી લેભાગુ શોપિંગ એપ. પર સરકાર તત્કાલ પ્રતિબંધ લગાવે અને મારા જેવા હજારો ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડીના રૂપિયા પરત અપાવે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate