મોરબી : હાલ દરેક યોજનામાં લાભ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત હોય મોરબીના આધારકાર્ડ કેન્દ્રો પર અરજદારોની લાંબી લાઈનો લાગી રહી છે. પરંતુ વારંવાર સર્વર ડાઉન હોવાના કારણે અને લાઈટ ન હોવાના કારણે અરજદારોને પરેશાની ભોગવવી પડી રહી છે.હાલમાં મોરબી ખાતે આંબાવાડી તાલુકા શાળામાં નાના બાળકો માટે આધાર કીટ ચાલી રહી છે. જ્યાં નાના બાળકોના આધારકાર્ડ કાઢી આપવાની અને અપડેટ કરી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં મહિલાઓ નાના બાળકો સાથે લાઈનમાં ઉભી રહેતી હોય છે. પરંતુ સર્વર ખૂબ ધીમું ચાલતું હોય અથવા તો ઘણી વખત લાઈટ ન હોય મહિલાઓ અને બાળકોને પરેશાની ભોગવવી પડી રહી છે. સિટી મામલતદાર કચેરી અને તાલુકા મામલતદાર કચેરીએ આધારકાર્ડની કીટ છે પરંતુ ત્યાં કીટ ચાલતી ન હોવાની રાવ ઉઠી છે. જેથી લોકોને પોતાના નાણા અને સમયનો વ્યય થઈ રહ્યો છે. આમ મોરબીમાં આયોજન વિના આધારકાર્ડની કામગીરી થતી હોવાની તંત્ર સામે ફરિયાદ ઉઠી છે.