ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નપ્રસંગ ગયેલા યુવાનોને કાળનો ભેટોહળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામેથી ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નમાં ગયેલ યુવાનોની કારને ધ્રાંગધ્રા હાઇવે ઉપર ગત મોડી રાત્રે વિચિત્ર અકસ્માત નડતા ચાર યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડાયા છે.અકસ્માતના આ ગંભીર બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાંથી રાત્રીના જમવા માટે છએય યુવાનો સ્વીફ્ટ કારમા હાઇવે ઉપર આવ્યા હતા અને પરત નરાડી જતા હતા ત્યારે સ્વીફ્ટ કારને અકસ્માત નડતાએ કાર ડિવાઈડર ઠેકીને સામેની સાઈડમાં ચાલી જતા સામેથી આવતા આઇસર સાથે અથડાતા કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા.વધુમાં આ ગંભીર અકસ્માતમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા કરસનભાઈ ભરતભાઈ ઠાકોર ઉ.26, કિરણભાઈ મનુભાઈ ઠાકોર ઉ.20, કાનાભાઇ ભુપતભાઇ ઠાકોર ઉ.20 અને ઉમેશભાઈ જગદીશભાઈ ઠાકોર ઉ.16નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમા કારમાં બેઠેલા અમીતભાઈ જગદીશભાઈ ઠાકોર અને કાનાભાઇ રાયધનભાઈ ઠાકોર નામના બે યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.