નવી પીપળીમાં સ્થાપિત ગણેશજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો ગયા હતા, બે લોકો ડૂબ્યા બાદ બીજા બે તેને બચાવવા ગયા હતા : સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા હાલ શોધખોળ ચાલુ મોરબી અપડેટ : મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક ગોઝારી ઘટના સામે આવી છે. નવી પીપળીમાં આવેલી શાંતિનગર સોસાયટીના રહીશો ગણપતિ વિસર્જન માટે ત્યાં ગયા હતા, ત્યારે સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ 4 યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 માંથી 2 યુવાનોનો બચાવ થયો છે, જ્યારે અન્ય 2 યુવાનો હજુ પણ પાણીમાં લાપતા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીમાં ડૂબેલા યુવાનોમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળી રહેતા 25 વર્ષીય આકાશ માલિયાનો બચાવ થયો છે. આ ઉપરાંત, ડૂબતા યુવાનોને બચાવવા માટે પાણીમાં પડેલા મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય આકાશ ગજાનંદભાઈ ખરાત પણ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. જ્યારે 28 વર્ષીય સોહન કુલડિયા પાણીમાં ડૂબ્યા હતા અને હજુ પણ તેઓ પાણીની અંદર જ ગરકાવ છે. આ સાથે જ ડૂબતા યુવાનોને બચાવવા માટે પાણીમાં પડેલા 35 વર્ષીય વિલાસ સુભાષભાઈ ગાયકવાડ પણ હાલ પાણીમાં લાપતા છે. આ બંને લાપતા યુવાનોની હાલ સઘન શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જુના સાદુળકા ગામના સરપંચ રાજભા ઝાલા અને સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા. લાપતા યુવાનોની હાલ સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.ચાર મહિના પહેલા પણ જૂના સાદુળકા નજીક તલાવડીમાં ડૂબી જવાથી 3ના મોત થયા હતાઆશરે ચાર મહિના પહેલા પણ જૂના સાદુળકા ગામની સીમમાં એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ત્રણેય લોકો પોતાના બકરા ચરાવવા માટે આ વિસ્તારમાં ગયા હતા અને બપોરના સમયે જ્યારે તેઓ ખેત તલાવડી પાસે હાથ-પગ ધોવા અને નાહવા માટે ગયા, ત્યારે અચાનક સંતુલન ગુમાવતા કે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અંદર પડી ગયા હતા. પાણી ઊંડું હોવાથી ત્રણેય લોકો તેમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાના કારણે તેમના કરુણ મોત નીપજ્યા હતા. જેમાં હાથાભાઈ પુંજાભાઈ રાતડીયા (ઉંમર 28, રહે. લક્ષ્મીનગર), જયદેવ સોડાભાઈ રાતડીયા (ઉંમર 11) અને કાફભાઈ ગીગાભાઈ વહેરા (ઉંમર 31, રહે. ધરમપુર) નો સમાવેશ થાય છે. મૃત્યુ પામનાર હાથાભાઈ અને 11 વર્ષીય માસૂમ જયદેવ બંને સંબંધમાં કાકો-ભત્રીજો થતા હતા.#MorbiUpdate #NaviPipali #GanpatiVisarjan #MorbiNews #RescueOperation #Morbi #GujaratNews