ક્રેટા કાર ઉભી રાખી સરનામું પૂછી અજાણ્યા ઈસમો પાઇપ લઈને તૂટી પડ્યાવાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના રસ્તે પોતાની ક્રેટા કારમાં જઈ રહેલા યુવાનને ઉભો રાખી ગારીડા જવાનો રસ્તો પૂછી થાર ગાડીમાં આવેલ અજાણ્યા ચાર ઈસમોએ પાઈપના ઘા મારી ફ્રેક્ચર કરવાની સાથે ગાડીમાં તોડફોડ કરી નાસી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા અને દૂધની ડેરી ચલાવતા વિશાલભાઈ ઉર્ફે મુનાભાઈ માણસુરભાઈ લોહ ગત તા.28ના રોજ રાત્રિના સમયે રાજકોટ ભણતા બાળકોને મળી પરત ઘરે જતા હતા ત્યારે જાલીડા ગામના રામદેવપીર મંદિર નજીક નંબર વગરની થાર કારના ચાલકે ડીપર મારતા વિશાલભાઈએ ગાડી ઉભી રાખતા આ થાર કારમાંથી ત્રણ અજાણ્યા ઈસમો નીચે ઉતરી ગારીડા કયા આવ્યું કહી વિશાલભાઈ કઈ સમજે વિચારે તે પહેલાં જ પાઈપથી ક્રેટા કારમાં નુકશાન કરી વિશાલભાઈ ઉપર હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખતા દેકારો સાંભળી આજુબાજુના વાડીના માણસો આવી જતા નંબર વગરની થાર કારનો ચાલક તથા અજાણ્યા શખ્સો નાસી ગયા હતાં. બનાવ અંગે વિશાલભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.