હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે બાઈક લઈને જઈ રહેલા યુવાનનું બાઈક અન્ય યુવાનના બાઇકને અડી જતા નજીવી બાબતે બન્ને વચ્ચે થતી બોલાચાલી દરમિયાન અન્ય ત્રણ શખ્સોએ વચ્ચે પડી લાકડી વડે માર મારી હાથ ભાંગી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા ફરિયાદી મેહુલભાઈ રસિકભાઈ સરવૈયા ઉ.26 નામના યુવાને આરોપી જીવાભાઈ રમુભાઈ ભરવાડ, પિન્ટુ સીણાભાઈ, શંકરભાઇ પોપટભાઈ અને આરોપી જયેશ ગોકાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.18ના રોજ રાત્રીના તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે આરોપી જીવાભાઈ રમુભાઈ ભરવાડના બાઇકને મેહુલભાઈનું બાઈક અડી જતા બોલાચાલી થઈ હતી. જે દરમિયાન અન્ય ત્રણેય આરોપીઓએ આવી લાકડી વડે માર મારતા હાથમાં ફ્રેક્ચર થવાની સાથે પગ, માથામાં ઇજાઓ થઈ હતી. બનાવ અંગે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.