અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી સ્કોર્પિયોમાં આવેલ શખ્સોએ ગુન્હાને અંજામ આપ્યોમોરબી : મોરબી તાલુકાના પાવડીયારી કેનાલ પાસે સ્કોર્પિયોમાં આવેલ ચાર શખ્સોએ અગાઉ પોલીસ ફરિયાદ કરનાર બે યુવકો સાથે ગાળાગાળી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરી બતાવી રૂ.૨૪ હજારની લૂંટ કરતા હુમલા અને લૂંટની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ પાવડીયારી કેનાલ નજીક અપના માર્કેટમાં મુરઘીના થડામાં કામ કરતા ફરીદ યાસીનભાઈ મેર ઉ.૨૪ વાળાએ માળીયા તાલુકાના ખીરઈ ગામે રહેતા આરોપી ઇકો, શિકલો, મુખી અને કારો નામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.૨૪ના રોજ રાત્રે ફરિયાદી તેમના શેઠ ઇકબાલભાઈ મુરઘીના થડાનો હિસાબ કરી નજીકની ચાની દુકાને બેઠા હતા. ત્યારે નંબર વગરની કાળા રંગની સ્કોર્પિયો કારમાંથી ઉપરોક્ત ચાર શખ્સો આવ્યા હતા.જેમાં આરોપી ઇકાએ ઇકબાલ સાથે ઝઘડો કરી તેના ભાઈ તૈયબભાઈએ અગાઉ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ કરી તે બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. આ દરમિયાન ફરિયાદી ફરીદ વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. દરમિયાન છરી બતાવી ફરીદના ખિસ્સામાં મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ.૨૪,૦૦૦ કાઢી લઈ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ચારેય શખ્સો વિરુદ્ધ લૂંટ, મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.