જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં બનેલી બનાવ મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં ચાની હોટલે ઠંડીમાં રાહત માટે તાપણું કરી લોકો તાપતા હતા ત્યારે ચાર શખ્સો તાપણામા થૂંકતા હોય જેથી થૂંકવાની ના પાડતા છરી બતાવી ચાર શખ્સોએ હુમલો કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ચકમપર ગામે રહેતા અને રંગપર ગામની સીમમા ચાની હોટલ ધરાવતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ લખમણભાઈ ગમારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ભુપેન્દ્ર જયસુખ વાઘેલા અને ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25ની રાત્રીના સમયે તેઓની હોટલ આરોપી ભુપેન્દ્ર સહિતના ચાર શખ્સ આવ્યા હતા અને તાપણામા તાપતા હતા ત્યારે તાપણામા થૂંકતા હોય જેથી ના પાડતા આરોપી ભુપેન્દ્રએ છરી બતાવી હતી અને અન્યોએ માર મારતા વચ્ચે છોડાવવા પડેલા દિલીપભાઈ ત્રિભોવનભાઈ કાચરોલાને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.