પોલીસ દ્વારા અન્ય આરોપી જીલ્લા પાસના કન્વીનરની શોધખોળ ચાલુ મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટાઇલ્સ ફેકટરીના માલિકે તેમના જ ભાગીદારો સામે ઉઘરાણીના રૂપિયા ઓળવી જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોરબી જિલ્લાના પાસ કન્વીનર સહિત બે શખ્સોની સામે હાલમાં ૧.૪૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં નોંધ કરાવાઇ છે. આ ફરિયાદ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમ્યાન એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે આ આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને પાસના આગેવાન કે જે ફરિયાદીના ભાગીદાર છે જેને ઝડપી લેવા માટેની તજવીજ ચાલી રહી છે. મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ડેલટોન સીરામિક નામનું કારખાનું ધરવતા અને રવાપર રોડ ઉપર રહેતા સંજયભાઈ દેવજીભાઈ કોટડીયાએ તેના ભાગીદાર અને મોરબી જીલ્લા પાસના કન્વીનર મનહરભાઈ ઉર્ફે મનોજભાઈ ગોવીંદભાઈ કાલરીયા રહે. મોરબી તેમજ નરેશભાઈ જીણાભાઈ કથીરિયા રહે. જૂનાગઢ વાળા સામે ૧.૪૯ કરોડની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરુ કરી હતી. તપાસ દરમિયાન નરેશભાઈ જીણાભાઈ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જેને પોલીસ દ્વારા દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જેના કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે મનહરભાઈ ઉર્ફે મનોજભાઈ ગોવીંદભાઈ કાલરીયાની ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે. ટાઇલ્સના વેચાણ બાદ કરવામાં આવેલી ઉઘરાણીના 1.49 કરોડ ઉપરોક્ત બન્ને આરોપીઓએ કંપનીમાં જમા ન કરાવીને પોતાની પાસે રાખી લેતા છેતરપિંડીની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી હતી.