રાજકોટ જેલમાં રહેલા ચારેય અપરાધીઓને પંજાબ પોલીસને હવાલે કરાયા મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકર્ડ પાસેની બેંકમાં દિલધડક લૂંટને અંજામ આપનારા પંજાબના કુખ્યાત ચાર ગેંગસ્ટરો પડકાયા બાદ આ તમામના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે કરેલા ખાસ આદેશ મુજબ તેઓને રાજકોટ મધ્યસ્થ જેલના અતિસુરક્ષિત બેરેકમાં ખસેડાયા હતા. દરમિયાન આ ચાર અપરાધીઓ પંજાબમાં લુંટ, લુંટ વિથ મર્ડર, મર્ડર, મર્ડરની કોશિશ સહિતના 70 થી વધુ ગુનામાં સંડોવાયેલા હોય, આ ગુનાની તપાસ માટે પંજાબ પોલીસને રાજકોટ જેલમાંથી આ ચારેય આરોપીઓનો કબ્જો સોંપવામાં આવ્યો છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખામાં ગત 20 ફેબ્રુઆરીના રોજ 6.44 લાખના મુદામાલની લુંટ કરવામાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ ગ્રામજનોની મદદથી પોલીસે પંજાબના કુખ્યાત ગેંગસ્ટરોમાંથી ચાર આરોપીઓને દબોચી લીધા હતા અને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વિગતો સામે આવી હતી કે આરોપી મનદીપસિંગ પાલસિંગ જટ શીખ (ઉ 28), બલવિંદર સિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ શીખ (ઉ 25), અરુણકુમાર શ્રીલાલચંદ મજબી શીખ (ઉ 30) અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરુમેલસિંગ ગુર્જર (ઉ 30) કુખ્યાત ગેંગસ્ટર છે અને પંજાબમાં લુંટ, હત્યા, હત્યાની કોશિશ, લુંટ વિથ હત્યા જેવા 70 થી વધુ ગુનામાં વોન્ટેડ છે. આ આરોપીઓ મોરબીની બેંકમાં લુંટ કરવા માટે વિદેશી પિસ્તોલ સહિતના હથિયાર લઈને આવ્યા હતા અને આ હથિયાર તેને યુપીમાંથી રૂપિયા 50 હજારથી એક લાખ સુધીની કિમત ચૂકવીને લીધા હોવાની પોલીસ સમક્ષ આરોપીઓએ કબુલાત આપી છે. આરોપીઓના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીના ગુના હિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને મોરબીની સબ જેલમાં મોકલવાના બદલે કોર્ટે ચારેય આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો જેથી આરોપીઓને હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલના અતિ સુરક્ષિત બેરેકમાં રાખવામાં આવ્યા હતા.દરમિયાન આ આરોપીઓ પંજાબના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હોય તેનો કબ્જો લેવા આજે પંજાબ પોલીસ પહોંચી હતી અને આ ચારેય આરોપીઓને વિધિવત રીતે પંજાબ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા અને એ આરોપીઓનો કબ્જો લઈને પંજાબ પોલીસ રવાના થઈ હતી.