દસ દિવસના રિમાન્ડની માંગણી સામે નામદાર કોર્ટ દ્વારા ઓરેવાના મેનેજર સહિત ચાર આરોપીઓના 5 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર કર્યા મોરબી : મોરબીની કાળજું કંપાવી દેનારી ઝૂલતો પુલ દુર્ઘટનામાં નામદાર મોરબી કોર્ટ સમક્ષ આજે તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા તમામ નવયે આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા બન્ને પક્ષની દલીલો બાદ ઓરેવાના મેનેજર સહિત ચાર આરોપીઓને 5 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ગત તા.30 ઓક્ટોબરના રોજ સાંજના સમયે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં તાત્કાલિક અસરથી ઓરેવા કંપનીના જવાબદાર મેનેજર, સુપરવાઈઝર, ટેક્નિકલ કામગીરી કરનાર કોન્ટ્રાકટર, ટિકિટ બારીના સંચાલક અને ચોકીદાર સહિત કુલ નવ આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તમામ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા. બાદમાં આજે તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માંગ સાથે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. દરમિયાન આ ગોઝારી દુર્ઘટનામાં કોની - કોની સંડોવણી, કોની ગુન્હાહિત બેદરકારી તે સહિતની તમામ બાબતોને લઇ નામદાર કોર્ટ સમક્ષ સરકારી વકીલ હર્ષિલ પંચાલ દ્વારા આરોપીઓને દસ દિવસના રિમાન્ડ ઉપર સોંપવા માંગ કરી હતી, સામે બચાવપક્ષે પણ લાંબી દલીલો કરતા નામદાર કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલો બાદ ઓરેવા કંપનીના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે, પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારને આગામી તા.5 નવેમ્બરના બપોરના ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. જ્યારે અન્ય પાંચ આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો.