ગણેશ મહોત્સવની ઉજવણી સાથે દેશભક્તિ અને સામાજિક સંદેશ પ્રસરે તેવું આયોજન કરવા કલેકટરની અપીલમોરબી : મોરબી જીલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી સાથે દેશભક્તિ અને સામાજિક સંદેશ પ્રસરે તેવું આયોજન કરવા જીલ્લા કલેકટર દ્વારા અપીલ કરાઈ છે. સાથે તેઓએ સરકાર દ્વારા આયોજિત ગણેશ પંડાલ સ્પર્ધામાં ભાગ લેવા આયોજકોને આહવાન કર્યું છે.જીલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે ગણપતિ મહોત્સવ પહેલા મહારાષ્ટ્ર ખાતે ઉજવાતો હતો. હવે તે મહારાષ્ટ્રની સીમાઓ ઓળંગી દેશના ઘણા બધા રાજ્યોમાં ઉજવાય છે. રાજ્ય સરકારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને લોકોમાં ગણેશ મહોત્સવની સાથે દેશ પ્રેમની ભાવના પણ જાગૃત રહે તેના માટે ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન કર્યું છે. સરકાર તરફથી પ્રથમ ક્રમે આવનાર ગણેશ પંડાલને રૂ. પાંચ લાખ, દ્વિતીયને રૂ. ત્રણ લાખ અને તૃતીયને રૂ.1.5 લાખ ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આના માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકામાં કમિશનર અધ્યક્ષ હશે. જિલ્લાની કમિટીમાં કલેકટર અધ્યક્ષ સ્થાને હશે. પંડાલના આયોજકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી- લાલબાગ ખાતેથી એક ફોર્મ મેળવી અને ફોર્મ ભરવાનું રહેશે. અને આ ફોર્મની વિગતો પરથી અમારી ટિમ પંડાલની મુલાકાત લેશે. બાદમાં તમામ વિગતો રાજ્યસરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી વિજેતાઓ નક્કી થશે.