વાંકાનેર : પૂર્વ સાંસદ રમાબેન આર. માવાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરીને વાંકાનેર એસટી ડેપો ખાતે પેસેન્જરોને આવવા અને જવા માટે અલગ અલગ ગેટ ફાળવવા માગ કરી છે.પૂર્વ સાંસદ રમાબેન માવાણીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર ડેપોનું એકાદ વર્ષ પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગ સલામતી વિભાગના આદેશાત્મક નિયમોને ધ્યાનમાં લઈને દરેક જાહેર સ્થળોમાં પેસેન્જરો, નાગરિકો તેમજ વાહનોને આવવા અને જવાના અલગ અલગ વિશાળ ક્ષેત્રફળના દરવાજા ફાળવવા ફરજિયાત છે. બે દરવાજા ન હોવાના કારણે ગંભીર અકસ્માતો પણ થાય છે. જો કે વાંકાનેર એસટી ડેપોમાં આવન જાવન માટે બે દરવાજા બનાવાયા છે પરંતુ કોઈ કારણોસર એક દરવાજો કાયમ માટે બંધ રાખવામાં આવે છે અને એક જ દરવાજેથી બસો, પેસેન્જરો તેમજ ખાનગી વાહનો આવન જાવન કરે છે. આ અંગે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ અમદાવાદના કાર્યકારી અધ્યક્ષ જગદીશભાઈ પટેલ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત મજદૂર મહાસંઘના પદાધિકારીઓ વંદિપસિંહ મહિડા, મુકેશભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો પાસે પેસેન્જરોએ રજૂઆત કરી હતી. જેથી મહાસંઘ દ્વારા બે દરવાજા ચાલુ કરવા જાહેર હિતની માગણી કરાઈ છે. તો વાંકાનેર એસટી ડેપોમાં બન્ને ગેટ ચાલુ કરવામાં આવે તેવી માગ પૂર્વ સાંસદ દ્વારા કરાઈ છે.