કુવૈતની કંપની સાથે હાથ મિલાવી મોરબીને સસ્તો પ્રોપેન, એલએનજી ગેસ પૂરો પાડશે : ઓરેસો કંપની બનાવી કિંગ્સ ગેસ સાથે એમઓયુ કર્યા મોરબી : છેલ્લા એક વર્ષમાં આંતરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં આવેલા ઉછાળા બાદ મોરબીના સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ રીતસર ભાંગી પડી છે ત્યારે મોરબીમાં મોનોપોલી ધરવતા ગુજરાત ગેસ સામે સસ્તા એલએનજી અને પ્રોપેન ગેસના વિકલ્પ સાથે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા કુવૈતની કંપની સાથે ટાઇઅપ કરી સિરામીક ઉદ્યોગની વ્હારે આવ્યા છે, આજે મોરબીમાં સિરામીક ઉદ્યોગપતિઓ સાથે ઔપચારિક મિટિંગ બાદ આગામી ત્રણેક મહિનામાં જ સસ્તો ગેસ ઉપલબ્ધ કરાવવા તેમણે ખાતરી આપી છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા દૈનિક 50 લાખ ક્યુબીક મીટર જેટલો નેચરલ ગેસ વપરાશ કરવામાં આવે છે, જો કે, ઓગસ્ટ 2021 બાદ આંતરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઉછાળો આવતા હાલમાં સિરામીક ઉદ્યોગકારોને બમણા જેટલા ભાવે નેચરલ પાઇપલાઇન ગેસ ગુજરાત ગેસ કંપની પાસેથી ખરીદ કરવો પડે છે. જેની સામે મોરબીના 150થી વધુ સીરામીક ઉદ્યોગકારોએ પ્રોપેન અને એલએનજીનો વિકલ્પ અપનાવી સસ્તા ઇંધણનો પણ હાલમાં વપરાશ કરવામાં આવે છે. બીજી તરફ ગુજરાત ગેસ કંપની મોરબીમાં એક જ સપ્લાયર કંપની હોવાથી અન્ય કોઈ કંપનીઓ આ ક્ષેત્રમાં મેદાનમાં આવી શકતી ન હોય સીરામીક ઇન્ડસ્ટ્રીઝને મને ક મને ગુજરાત ગેસ કંપનીના ભાવ અને મહિનાના એડવાન્સ વપરાશના નિયમો અપનાવવા પડે છે ત્યારે આજે સિરામિક ઉદ્યોગને વર્ષોથી મૂંઝવતા પ્રશ્ને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઓરેસો કંપની સાથે સિરામિક ઉદ્યોગને સસ્તો ગેસ સપ્લાય કરવા મેદાને આવ્યા છે. કાંતિલાલ અમૃતિયાની ઓરેસો કંપનીએ કુવૈત બેઇઝ કિંગ્સ ગેસ કંપની સાથે એમઓયુ કરી મોરબીના સિરામિક ઉદ્યોગને પાઇપલાઇન નેચરલ ગેસથી 10થી 15 ટકા સસ્તા દરે પોર્ટથી સીધો જ જે તે કંપની સુધી પ્રોપેન અને એલએનજી ગેસ સપ્લાય કરવા વાયદો કર્યો છે. આજે મોરબીમાં કિંગ્સ ગેસના ડાયેરકટર મહમદ આઝમ કુરેશી, કુવૈતના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર ઉંમર મરવાની સહિતના અગ્રણીઓ મોરબી હાજર રહ્યા હતા જ્યા તેઓએ મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, કિરીટ પટેલ તેમજ સનહાર્ટ, વરમોરા જેવી દિગ્ગજ કંપનીઓના સંચાલકો સાથે નવા અને સસ્તા ગેસ મામલે મહત્વપૂર્ણ બેઠક યોજી આગામી ત્રણ મહિનામાં જ સસ્તો ગેસ પૂરો પાડવા ખાતરી આપી હતી.